સરકારી શાળાઓની દુર્દશા છુપાવવા પરિપત્ર બહાર પડાયો હોવાનો AAP-કોંગ્રેસ-NSUI નો આક્ષેપ; ’પોક્સો’ની ધમકીને ’તાનાશાહી’ ગણાવી પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવાની ઉગ્ર માંગ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યની સરકારી શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશ, ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. નિયમ ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ અને પોક્સો (POCSO) હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય સામે કોંગ્રેસ, NSUI અને આમ આદમી પાર્ટી (AAP) એ મેદાને પડીને સખત વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ નિદત બારોટે આ નિર્ણયને સરકારની તાનાશાહી ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10 વર્ષથી શાળા પ્રવેશોત્સવ વખતે ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ શાળાઓમાં જતા હતા. આજે જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનો વિરોધ થવાની સંભાવના ઊભી થઈ છે, ત્યારે સરકાર પોતાનો બચાવ કરવા મલીન ઈરાદાથી આ પરિપત્ર લાવી છે. શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અટકાવવા ’પોસ્કો’ (POCSO) જેવા ગંભીર ગુના દાખલ કરવાની વાત કરવી એ ખુલ્લી તાનાશાહી છે.
NSUI ના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓના આંદોલનથી ડરી ગઈ છે. શાળાઓમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો કે વિરોધ કરવો એ ગુનો નથી. સરકારે જેટલી ફરિયાદો કરવી હોય તે કરે, પરંતુ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાશે નહીં. NSUI એ આ પરિપત્રથી ન ડરવાની વાત કરતા તેને તાત્કાલિક રદ્દ કરવાની માંગ સાથે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી આપી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ નોટિફિકેશનને ગુજરાતની સરકારી શાળાના બાળકો અને વાલીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે છેલ્લા 30 વર્ષમાં સરકારી શાળાઓ બરબાદ કરી પોતાના નેતાઓને કરોડો રૂૂપિયા કમાવા માટે ખાનગી શાળાઓ ધમધમતી કરી દીધી છે. ગુજરાતમાં એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત શાળાઓની પોલ ’ૠયક્ષ-ણ’, પત્રકારો અને વિપક્ષ ન ખોલી નાખે અને 2027 સુધી આ મુદ્દો દબાયેલો રહે તે ડરથી આ કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ઇસુદાન ગઢવીએ દિલ્હીની શાળાઓનું ઉદાહરણ આપતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની શાળાઓ જોવા અમેરિકન રાષ્ટ્રપતિના પત્ની પણ આવ્યા હતા, અને મોદીજીએ પણ તે બતાવી હતી. જ્યારે ગુજરાત સરકાર પોતાની નિષ્ફળતાઓ ઢાંકી રહી છે. શાળાઓની વાસ્તવિકતા છુપાવવા વાલીઓ અને યુવાનોને POCSOની ધમકીઓ અપાઈ રહી છે. ગઢવીએ સરકારને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં તાકાત હોય તો રાષ્ટ્રપતિ પાસે કાયદો મંજૂર કરાવીને બતાવે. તેમણે ગુજરાતની જનતા, વાલીઓ અને યુવાનોને આ નિર્ણય સામે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી એક થવા અપીલ કરી છે. આ પરિપત્રના મુદ્દે સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી પૂરી સંભાવના છે.
