રાજકોટ શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપર નજીક સરકારી ખરાબાની જમીનમાં ચંદનના ઝાડની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો કુવાડવા રોડ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી 213 નંગ લીલા ગાંજાના છોડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ. 2,05,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 70 વર્ષની વયના આરોપી રમણીકભાઈ દેવજીભાઈ દલસાણીયાની ધરપકડ કરવામાં આવી છે અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે નવાગામ આણંદપર સ્મશાન નજીક આવેલી સરકારી ખરાબાની જગ્યામાં ઓરડી બનાવીને રહેતો શખ્સ ચંદનના વાવેતર વચ્ચે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. જાનીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ખોડુભા જાડેજા તથા અન્ય પોલીસ સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને લેખિત રિપોર્ટ કરી બે સરકારી પંચો સાથે રાખી દરોડાનું આયોજન કર્યું હતું. પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી સરકારી ખરાબામાં બનેલી ઓરડી પાસે ખાટલામાં બેઠેલા રમણીકભાઈ દલસાણીયાને ઘેરી લીધા હતા.
પોલીસે સરકારી ખરાબાની આશરે 1000 વાર જમીનમાં તપાસ કરતા ઓરડીની પશ્ચિમ અને ઉત્તર દિશામાં ચંદનના ઝાડ વચ્ચે ફેન્સિંગ પાસે અલગ-અલગ ક્યારા બનાવી વાવેલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા માટે સ્થળ પર એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયાને બોલાવવામાં આવ્યા હતા, જેમણે પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરી આ છોડમાં કેનાબીસના સક્રિય ઘટકો હોવાની પુષ્ટિ કરી હતી. વજનકાંટા સાથે બોલાવેલા વેપારી સમક્ષ તોલમાપ કરાવતા 112 સેમીથી 5 સેમીની ઊંચાઈ ધરાવતા કુલ 213 નંગ ગાંજાના છોડનું વજન 4 કિલોગ્રામ 10 ગ્રામ થયું હતું, જેની કિંમત રૂૂ. 2,00,500/- આંકવામાં આવી છે. મૂળ ઉપલેટાના અરણી ગામના અને હાલ રાજકોટના મવડી ખાતે જીવરાજપાર્ક શ્યામલ કુંજ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા 70 વર્ષીય આરોપી રમણીકભાઈ દલસાણીયા પાસે ગાંજાના વાવેતર અંગેનું કોઈ પાસ કે પરમિટ ન હોવાથી તેમની અટકાયત કરવામાં આવી હતી.
