ખોટુ આધારકાર્ડ બનાવી PSI સાથે મોટી ઉંમરની ક્ધયા પરણાવી દીધાની ફરિયાદ

શહેરના ગોપાલપુરી વિસ્તારમાં રહેતા અને હાલ ભુજ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથે લગ્ન અને છેતરપિંડીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જન્મતારીખ અને…

શહેરના ગોપાલપુરી વિસ્તારમાં રહેતા અને હાલ ભુજ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથે લગ્ન અને છેતરપિંડીનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જન્મતારીખ અને ઉંમર છુપાવીને ખોટું આધારકાર્ડ ઊભું કરી લગ્ન કરાવી પૈસા પડાવવાના આશયથી કરવામાં આવેલી છેતરપિંડી અંગે સાસરિયા પક્ષના સભ્યો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. શહેરના ગોપાલપુરીમાં રહેતા તથા એ.એન.ટી.એફ. બોર્ડર ઝોન ભુજ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા બલભદ્રસિંહ સાહેબસિંહ ઝાલાએ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તેમના પ્રથમ પત્નીના અવસાન બાદ પરિવારજનોની મરજીથી બીજા લગ્ન માટે તૈયારી દર્શાવી હતી. 2023માં ભાવનગર-ત્રાયજ ગામના બેચરજી ગોપાલજી ગોહિલ અને તેના પરિવારજનો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેમની દીકરી અલ્પાબાની સગાઇ અંગે વાત કરી હતી. તે સમયે અલ્પાબાની જન્મતારીખ 1/6/1985 દર્શાવતું આધારકાર્ડ બતાવવામાં આવ્યું હતું જેના આધારે સગાઇ નક્કી કરવામાં આવી હતી. બાદ 2024માં લગ્ન સંપન્ન થયા હતા. લગ્નની પ્રથમ રાત્રિથી જ પત્ની અલ્પાબાનું વર્તન માનસિક અસ્થિર જેવું જણાતું હતું. બાદમાં ફરિયાદીએ પત્નીના આધારકાર્ડમાં સાસરિયાનું સરનામું બદલાવવા માટે નકલ માગી હતી, ત્યારે તેના ખોટા જન્મતારીખવાળા આધારકાર્ડની નકલ મોકલવામાં આવી હતી. ફરિયાદી 2024માં તાલીમમાં ગયા હતા ત્યારે તેમના પત્નીની સારવાર કરાવવાનું કહી તેના પિતા, બનેવી અલ્પાને પિયર લઇ ગયા હતા. ત્યારે પોતાના તમામ ઘરેણાં, કિંમતી સામાન સાથે લઇ ગયા હતા. બાદમાં પોતાની દીકરી મોકલવાની સાફ ના પાડી દીધી હતી.

ફરિયાદીએ ભાવનગરની નંદકુંવરબા ક્ષત્રિય ક્ધયા વિદ્યાલયમાં તપાસ કરતાં તેમની પત્નીની જન્મતારીખ 1/6/1978 હોવાનું બહાર આવ્યું હતું. સાચી ઉંમર છુપાવીને બનાવીને આધારકાર્ડના આધારે ફરિયાદીથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. નોંધાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે સાસરિયાઓએ ખોટા દસ્તાવેજો છુપાવવા અને પૈસા પડાવવાના આશયથી ત્યાંની કોર્ટમાં ઘરેલુ હિંસાનો ખોટો કેસ કર્યો છે. આ આઘાતમાં ફરિયાદીના માતાને પક્ષાઘાત (સ્ટ્રોક) આવી જતાં તે પથારીવશ થઇ ગયા હતા અને પિતાનું પણ અવસાન થયું હતું. આ બનાવ અંગે અલ્પાબા બેચરજી ગોહિલ, બેચરજી ગોપાલજી ગોહિલ, મીનાબા મહેશકુમાર ઉર્ફે મહેશસિંહ ઝાલા, મહેશકુમાર ઉર્ફે મહેશસિંહ ઝાલા તથા મનહરબા રાજવીરસિંહ રાણા સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *