રાજકોટ મહાનગરપાલિકામાં અમુક ભરતી ‘મામા-માસીના’ એટલે કે લાગવગિયા અથવા તો ‘વહીવટ’ના જોરે થતી હોવાનો વિવાદ કાયમી બની ગયો છે. તેમા કોઇને કોઇ રીતે ‘ગોઠવણ ડોટ કોમ’ કરવામા આવે છે. આવી જ કંઇક કરામત મલાઇદાર કહી શકાય તેવી ખુરશીમાં પાંચ સિટી ઇજનેર, આઇ.ટી. ડાયરેક્ટર, ડે. સેક્રેટરી, પર્યાવરણ ઇજનેર અને એડિશનલ ચિફ ફાયર ઓફિસરની ખાલી જગ્યા પર પસંદ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યું લેવાઇ ગયા બાદ લાંબા સમય બાદ ગઇકાલે રવિવારે રજાના દિવસે યોજાયેલી ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા મોકલાયેલા ઠરાવમાં નામો અયોગ્ય જણાતાં અને નિયમો મુજબ ભરતી ન થયાનું જણાતા મેયર ડો. નેહલ શુકલે તમામ ઇન્ટરવ્યુ રદ કરી નાંખ્યા છે અને સિટી ઇજનેર સહિતના તમામ આઠ હોદ્દાઓ માટે પુન: ભરતી કરવા આદેશ આપ્યો છે.
આ અંગેની વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે એડિશનલ સિટી ઇજનેર, સિટી ઇજનેર (સ્પે.) અને કાર્યપાલક ઇજનેર સહિત કુલ પાંચ જગ્યા માટે ઇન્ટરવ્યું લેવાયા હતા. આમાં 300થી વધુ ઉમેદવારો હતા. આમાંથી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ઇજનેરો સહિતના કેટલાંક ઉમેદવારોના નામ પસંદ કરવામાં આવ્યા હતા. અને કમિશનર દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોના નામનો ઠરાવ કરીને ઓફિસર્સ સિલેક્શન કમિટીને મોકલ્યો હતો. આ પછી નાણાંકિય વહેવારની વાતો વહેતી થતાં અને મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં પુર્વ શાસકોની ઓફિસર્સ સિલેક્શન કમિટીએ વિવાદમાં પડવાનું ટાળ્યું હતું. સાથોસાથ કેટલાંક ઉમેદવારોના નામ સામે ઓફિસર્સ સિલેક્શન કમિટીના સભ્યોએ જ વિરોધ ર્ક્યો હતો.
આવી રીતે જ રીતે મહાનગરપાલિકામાં નવા શાસકોએ હોદ્દો સંભાળ્યા બાદ પુર્વ સેક્રેટરી રૂૂપારેલિયાને ફરીથી તેમના મુળ સ્થાને બેસાડી દેવાયા હતા. જો કે આ પહેલા ડે. સેક્રેટરીના હોદ્દા માટે ઇનહાઉસ ઇન્ટરવ્યું લેવાયા હતાં જેમાં પાંચ જેટલાં ઉમેદવારોમાંથી પુર્વ ઈન્ચાર્જ સેક્રેટરી સહિત બે ઉમેદવારોના નામ પસંદ કરીને કમિશનરે ઓફિસર્સ સિલેક્શન કમિટીને મોકલ્યા હતા. સિટી ઇજનેરની પાંચ જગ્યા ઉપરાંત એક ડાયરેક્ટ આઇટી, ડે. સેક્રેટરી, પર્યાવરણ ઇજનેર અને એડિશનલ ચિફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ગઇકાલે રજાના દિવસે મળેલી ઓફિસર્સ સિલેક્શન કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા ઠરાવ કરીને સુચવાયેલા નામો અયોગ્ય જણાતા કમિટીના અધ્યક્ષ મેયર ડો. નેહલ શુકલે સિટી ઇજનેર સહિત તમામ જગ્યાઓનની ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ આપ્યો હતો.
હવે આ તમામ જગ્યા માટે ફરીથી ભરતી પ્રક્રિયાની કવાયત કરાશે. મેયર ડો. નેહલ શુકલે મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયામાં મામકાવાદ નેસ્તનાબુદ કરવા માટે ભરતીના નિયમોમાં જડમૂળથી ફેરફાર કરવાનો સંકેત વાતચિતમાં આપ્યો હતોે જો કે હાલમાં સિટી ઇજનેર સહિતની તમામ ભરતીઓ અટકી પડી છે.
મલાઇદાર પોસ્ટ માટે ચોક્કસ અધિકારીએ 7 આંકડામાં કરેલો ‘વહીવટ’ ફોગટ ગયો?
એક ચર્ચા એવી પણ છે કે, ઇન્ટરવ્યુ ગત ટર્મમાં થયા હતા. એ વખતે ખાસ કરીને સિટી ઇજનેર જેવી મલાઇદાર પોસ્ટ માટે મોઢે માગ્યા પૈસા આપવા માટે ઇચ્છુક પૈસેટકે ખમતીધર અધિકારીઓ તૈયાર હતા. એ વખતે ચોક્સ અધિકારીએ સિટી ઇજનેરની મલાઇદાર ખુરશી પર બેસવા માટે એક પુર્વ પદાધિકારી હસ્તક સાત આંકડાના પૈસામાં વહીવટ કર્યો હતો. જો કે હવે સતાપક્ષના વહાણમાં સઢે દીશા અને દશા બદલી છે. નવેસરથી જ ઇન્ટરવ્યુ પ્રક્રિયાનો નિર્ણય લેવાતા સાત આંકડાનો આ વહીવટ ફોગટ ગયો છે.
