ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના શરૂૂઆતના દિવસોને લઈને મોટો અને અત્યંત પ્રામાણિક ખુલાસો કર્યો છે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ટીમમાં તેમને સતત નીચલા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવવાથી તેમનો આત્મવિશ્વાસ પર અસર પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા દિવસે મેચ શરૂૂ થતા પહેલા બ્રોડકાસ્ટર્સ સાથેની વાતચીતમાં જાડેજાએ જણાવ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં તેમનો બેટિંગ રેકોર્ડ મજબૂત હતો.
રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફીમાં તેમની સરેરાશ 60 કરતા વધુ રહી હતી અને તેમને પોતાની જાત પર વિશ્વાસ હતો કે, તેઓ સારી બેટિંગ કરી શકે છે. પરંતુ ભારતીય ટીમમાં આવ્યા બાદ તેમને ઘણીવાર નંબર 8 અને 9 પર બેટિંગ કરવા જવું પડતું હતું. તેમણે કહ્યું કે, ડ્રેસિંગ રૂૂમમાં જ્યારે તેઓ પેડ પહેરીને પોતાની બેટિંગની રાહ જોતા હતા અને તેમની બાજુમાં ફાસ્ટ બોલર બેટિંગ માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેનાથી તેમનું મનોબળ ઘટતું હતું. તેમને લાગતું હતું કે કદાચ ટીમને તેમની બેટિંગ પર પૂરો ભરોસો નથી. જાડેજાએ કહ્યું કે, ઘણીવાર તેમને રવિચંદ્રન અશ્વિન કરતા પણ નીચે બેટિંગ માટે મોકલવામાં આવતા હતા.
આવી પરિસ્થિતિઓએ તેમને ખૂબ જ પરેશાન કર્યા અને તેમનો આત્મવિશ્વાસ પર અસર થઈ હતી. આ ખુલાસો શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન થયો છે. ભારતે ગાલેમાં પહેલા દિવસે 288/2 નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે બીજા દિવસે સ્ટમ્પ સુધી 9 વિકેટે 460 રન બનાવ્યા છે. દેવદત્ત પડિકલે શાનદાર 167 રનનું યોગદાન આપ્યું છે. જો કે, સમયની સાથે તેમણે માનસિક મજબૂતી વિકસાવી અને ટેસ્ટ ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવાનો મિજાજ બનાવ્યો.
