મોટી મારડની સીમમાં નવ પરિણીત શ્રમિક દંપતીની ક્રૂર હત્યા

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ગતરાત્રે એક નવપરિણીત શ્રમિક દંપતિની અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. પારિવારિક આંતરિક…

ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં ગતરાત્રે એક નવપરિણીત શ્રમિક દંપતિની અજાણ્યા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. પારિવારિક આંતરિક ઝઘડામાં આ ડબલ મર્ડર થયાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટનાના પગલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ ડોગસ્કવોડ અને એફએસએલની મદદથી હત્યારાઓનું પગેરૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. મળતી માહિતી મુજબ, મોટી મારડ સીમ વિસ્તારમાં આવેલી રમેશભાઈ નામની વ્યક્તિની વાડીમાં આ ઘટના બની છે. રોજની જેમ આજે સવારે જ્યારે વાડી માલિક રમેશભાઈ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાડીમાં કામ કરતા બે મજૂરો મૃત હાલતમાં લોહીલુહાણ પડ્યા હતા. તેમણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક અને યુવતી વાડી માલિકના ભાગિયા તરીકે કામ કરતા વ્યક્તિની દીકરી અને જમાઈ હતા. આ નવદંપતીના લગ્ન હજુ માંડ બે મહિના પહેલા જ થયા હતા. બંનેના માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, પરિવારમાંથી અન્ય એક બહેન અગાઉ ભાગી ગઈ હતી, જેની અદાવત અથવા તો અન્ય કોઈ અગમ્ય કારણોસર આ બંનેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધોરાજી અને પાટણવાવ પોલીસ તેમજ એલ.સી.બી. સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની ટીમને પણ સ્થળ પર બોલાવીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ ડબલ મર્ડરની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બન્ને મૃતકો મુળ મધ્યપ્રદેશના વતની હતાં અને તેમના નામોમાં રોહિત મથુરાભાઈ ચૌહાણ (ઉ.17) અને તેમના પત્ની દુર્ગાબેન (ઉ.22)હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ તેઓના લગ્ન બે મહિના પહેલા જ થયા હતાં અને રમેશભાઈ ભુતની વાડીએ ખેત મજુરી કરતાં હતાં. વાડી માલિક રમેશભાઈ ભુતના જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે દુર્ગાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, વાડીમાં વિજળી બંધ થઈ ગઈ છે ત્યારબાદ સંપર્ક થયો ન હતો અને આજે સવારે વાડીએ પહોંચતાં રોહિતભાઈની લાશ ખાટલા પર અને તેમના પત્ની દુર્ગાબેનની લાશ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડી હતી. આ ઘટનામાં ડેપ્યુટી એસ.પી.સીમરન ભારદ્વાજ, એલસીબીની ટીમ અને ધોરાજી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *