મન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવી

સંસ્કારી નગરી વડોદરામાંથી અંધશ્રદ્ધાની આડમાં સગીરાની આબરૂૂ લૂંટાઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી અને આંખો ઉઘાડી દે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા…

સંસ્કારી નગરી વડોદરામાંથી અંધશ્રદ્ધાની આડમાં સગીરાની આબરૂૂ લૂંટાઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી અને આંખો ઉઘાડી દે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક મોટી લાલબત્તી અને ક્યારેય ન ભૂલાય તેવો પાઠ સમાન છે. દીકરીના બદલાતા સ્વભાવ અને ગુસ્સાને શાંત કરવા માટે માતા-પિતાએ વિજ્ઞાન કે કાઉન્સેલિંગના બદલે અંધશ્રદ્ધા અને તાંત્રિકનો સહારો લીધો હતો, પરંતુ માતા-પિતાની આ એક જ ભૂલના કારણે તેમની માસૂમ દીકરી હવસખોર તાંત્રિકનો શિકાર બની ગઈ હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુળનગરના જ્ઞાનસુધા એપાર્ટમેન્ટમાં રહેતો નરેન્દ્ર દિનકર ભટ્ટ નામનો વૃદ્ધ પુજારી પૂજા-પાઠ અને વિધિના બહાને લોકોને ભરમાવતો હતો. બીજી તરફ, ભોગ બનનાર સગીર વયની દીકરી છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ગુસ્સો કરતી હતી અને તેનો સ્વભાવ ખૂબ જ ચીડિયો થઈ ગયો હતો. દીકરીના આ વર્તનથી ચિંતિત થયેલા માતા-પિતાને કોઈકે સલાહ આપી કે જો કોઈ સારા પૂજારી પાસે પૂજા-વિધિ કરાવવામાં આવે, તો દીકરીનો ગુસ્સો શાંત થઈ જશે. આ આશા સાથે ભોળા માતા-પિતાએ જ સામેથી આ વૃદ્ધ પૂજારી નરેન્દ્ર ભટ્ટનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાના ઘરે આવીને વિધિ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

દીકરીએ પોલીસ સમક્ષ કરેલા ખુલાસા મુજબ, આ ઢોંગી પૂજારી વિધિ કરવાના બહાને બે વાર તેમના ઘરે આવ્યો હતો. ઘરના સભ્યોની નજર ચૂકવીને આ વૃદ્ધ નરાધમે સગીરા પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ભયાનક કૃત્ય બાદ તાંત્રિકે સગીરાને કોઈને પણ વાત ન કરવા માટે ગંભીર ધમકીઓ આપી હતી. જેના કારણે માસૂમ દીકરી સખત ગભરાઈ ગઈ હતી અને ડરના માર્યા લાચાર બનીને ચૂપ રહી હતી. જોકે, હવસખોર તાંત્રિક આટલેથી જ ન અટકતા, તેણે ત્રીજીવાર ફરીથી ઘરમાં વિધિ કરવા આવવાની વાત કરી હતી.

આ વખતે સગીરાએ હિંમત હારવાને બદલે આ પાખંડી તાંત્રિકનો પર્દાફાશ કરવાનું મન બનાવી લીધું હતું. તેણે પોતાના એક અંગત મિત્રની મદદ લઈ તાંત્રિક ઘરે આવે તે પહેલાં જ પોતાના જ ઘરમાં એક ગુપ્ત જગ્યાએ મોબાઈલ કેમેરો ચાલુ કરીને સંતાડી દીધો હતો. આશા મુજબ જ્યારે વૃદ્ધ તાંત્રિક નરેન્દ્ર ભટ્ટ ફરીથી ઘરમાં વિધિના બહાને અડપલાં અને ગંદી હરકતો કરવા લાગ્યો, ત્યારે તેની તમામ હવસખોર હરકતો સગીરાએ ગોઠવેલા કેમેરામાં લાઈવ રેકોર્ડ થઈ ગઈ હતી. આ પુરાવો હાથમાં આવતાં જ દીકરી પોતાના મિત્ર સાથે સીધી પોલીસ સ્ટેશને પહોંચી હતી.

સમગ્ર મામલે વડોદરા ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ માહિતી આપતાં જણાવ્યું કે, પીડિત દીકરી પોતાના મિત્ર સાથે પોલીસ પાસે આવી હતી. સગીરાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પીડિતાના માતા-પિતા અને આરોપી વૃદ્ધની કડક પૂછપરછ કરી હતી. સગીરાએ રજૂ કરેલા વીડિયો રેકોર્ડિંગથી વાતની સંપૂર્ણ ખરાઈ થતાં જ પોલીસે આરોપી નરેન્દ્ર દિનકર ભટ્ટ સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *