કાપડ બજાર ધોવાયું, 200 કરોડથી વધુનું નુકસાન, 1 કરોડ સાડી નકામી

સુરતના સૌથી વધુ અસરગ્રસ્ત એવા અંદાજે 100 કાપડ માર્કેટોમાં અત્યારે ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. આ માર્કેટોના બેઝમેન્ટમાં આવેલી સેંકડો દુકાનોમાં અચાનક જ વરસાદી પાણી અને…

સુરતના સૌથી વધુ અસરગ્રસ્ત એવા અંદાજે 100 કાપડ માર્કેટોમાં અત્યારે ભયાવહ દ્રશ્યો સર્જાયા છે. આ માર્કેટોના બેઝમેન્ટમાં આવેલી સેંકડો દુકાનોમાં અચાનક જ વરસાદી પાણી અને ખાડી પૂરના ગંદા પાણી ધસી આવ્યા હતા. જોતજોતામાં આખું બેઝમેન્ટ પાણીથી ગરકાવ થઈ ગયું હતું. દરેક દુકાનમાં રાખવામાં આવેલી 1000 થી લઈ 1500 કિંમતી સાડીઓ આ પાણીમાં સંપૂર્ણપણે પલળી ગઈ છે. પૂરના ગંદા પાણી અને કાદવને કારણે લગભગ 1 કરોડ સાડીઓ હવે સાવ નકામી થઈ ગઈ છે, જેને કચરામાં ફેંકી દેવા સિવાય વેપારીઓ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

ફેસ્ટિવલ સીઝનની શરૂૂઆત ગણાતા રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દેશભરમાંથી સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ્સની ભારે માંગ રહેતી હોય છે. આ સીઝનને વટાવી લેવા માટે નાના-મોટા તમામ વેપારીઓએ પોતાની દુકાનોમાં મોટા પ્રમાણમાં નવો સ્ટોક ભરી રાખ્યો હતો. સામાન્ય રીતે કાપડના વેપારમાં દરેક દુકાનદાર પોતાની આર્થિક ક્ષમતા મુજબ અંદાજે 2000 થી 5000 સાડીઓનો એડવાન્સ સ્ટોક રાખતા હોય છે, જેની બજાર કિંમત ₹50 લાખથી લઈને કરોડો રૂૂપિયા સુધીની હોય છે. પરંતુ તહેવારની આ સીઝન ખીલે તે પહેલા જ કુદરતના ક્રૂર પ્રહારે વેપારીઓના તમામ સપનાઓ અને આયોજનોને ધૂળધાણી કરી નાખ્યા છે.

પ્રાથમિક અંદાજ મુજબ, વરસાદ અને ખાડી પૂરના કારણે સર્જાયેલી આ ભયંકર સ્થિતિના લીધે સુરતના કાપડ ઉદ્યોગને સીધેસીધું ₹200 કરોડ રૂૂપિયાનું અધધ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પાણી માત્ર દુકાનોમાં જ નથી ઘૂસ્યા, પરંતુ તેના કારણે કાપડના તાકા, પેકિંગ મટીરિયલ, કમ્પ્યુટર્સ અને દુકાનોનું કિંમતી ફર્નિચર પણ નાશ પામ્યા છે. માર્કેટમાં ચારે તરફ માત્ર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ નુકસાન એટલું મોટું છે કે તેમાંથી બેઠા થતા વેપારીઓને મહિનાઓનો સમય લાગી જશે, જેના કારણે બજારમાં ભારે આર્થિક મંદીનો માહોલ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક નુકસાન ઉપરાંત સુરતથી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા કાપડના વેપાર પર પણ આ પૂરની અત્યંત માઠી અસર પડી છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેવાઓ ખોરવાઈ જતાં બહારગામ જતા માલના વેપાર પર આશરે ₹150 થી ₹200 કરોડ રૂૂપિયાના ટર્નઓવરનો સીધો ફટકો પડ્યો છે. અન્ય રાજ્યોના વેપારીઓના ઓર્ડર સમયસર પૂરા કરી શકાય તેમ નથી, જેનાથી સુરતના કાપડ બજારની શાખને પણ મોટું નુકસાન થયું છે. હાલમાં સમગ્ર સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ આઘાતમાં છે અને આ આર્થિક સંકટમાંથી ઉગારવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર પાસે વળતર અને વિશેષ આર્થિક સહાયની આશા રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *