ગોંડલમાં પતિના હાથે પત્નીની હત્યા

  ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ પત્નીને પતાવી દીધી: હત્યારાની શોધખોળ ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં…

 

ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ પત્નીને પતાવી દીધી: હત્યારાની શોધખોળ

ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ હનુમાન ધાર પાછળની એક વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં ચારિત્ર્યની શંકા અને આડા સંબંધના કારણે પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો એક પરપ્રાંતીય પરિવાર છેલ્લા 8 દિવસથી વોરાકોટડા રોડ પર આવેલ ધીરુભાઈ ગોવિંદભાઇ રૈયાણીની વાડીએ મજૂરી કામ માટે આવ્યો હતો અને ત્યાં જ આવેલી ઓરડીમાં રહેતો હતો. મૃતક મહિલાનો પતિ ધીરુભાઈના નાના ભાઈ મનસુખભાઈ રૈયાણીની વાડીમાં પણ મજૂરી કામ કરતો હતો અને રાત્રે ત્યાં જ સૂઈ જતો હતો.

ગઈકાલ રાત્રિના સમયે ધીરુભાઈની વાડીમાં આવેલી ઓરડીમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. ઝઘડો વધતા ડરી ગયેલી પરપ્રાંતીય મહિલા ગુંદલીબેન સોલંકીએ ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જોકે, ગુસ્સામાં આવેલા પતિએ ઓરડીનો દરવાજો તોડી નાખ્યો હતો.

જીવ બચાવવા માટે ગુંદલીબેન ઓરડીની બહાર ભાગ્યા હતા અને બાજુમાં જ આવેલી મનસુખભાઈ ગોવિંદભાઈ રૈયાણીની વાડી તરફ દોડ્યા હતા. પરંતુ ત્યાર બાદ સવારે મનસુખભાઈની વાડીમાંથી ગુંદલીબેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એસ. ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ફોરેન્સિન્ક પી.એમ માટે રાજકોટ હોસ્પિટલ ખસેડીને મહિલાની હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણોસર મોત નીપજ્યું છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ ગોંડલ બી ડિવિઝન પોલીસે શંકાના આધારે મૃતક મહિલાના પતિને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર મૃતક ગુંદલીબેનને અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતની જાણ પતિને થઈ જતા બંને વચ્ચે ડખો થયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *