રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય ત્યારે રાજકોટ યાર્ડમાં લીંબુ અને સરગવો વેચવા આવેલા રાણીપાટ ગામના ખેડૂત, મવડી ચોકડી પાસે પરિણીતા અને શ્રોફ રોડ પર વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. મૃતકોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળીના રાણીપાટ ગામે રહેતાં હેમુભાઈ મોતીભાઈ બારૈયા નામના બાવન વર્ષના આધેડ સવારના આઠેક વાગ્યાના અરસામાં રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડમાં તુલસી થડા પાસે બેઠા હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
જ્યાં ફરજ પરના તબીબે આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક હેમુભાઈ ડ્રાઈવીંગ કામ કરતાં હતાં અને પોતાની ગાડીમાં જ લીંબુ અને સરગવો ભરી જુના માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં મવડી ચોકડી પાસે રહેતી શીતલબેન હરીમલભાઈ શર્મા (ઉ.40) રાત્રીના સમયે મવડી ચોકડી પાસે હતી ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત ત્રીજા બનાવમાં શ્રોફ રોૈડ પર રહેતાં વિનોદરાય ગોપાલદાસ જાગાણી નામના 71 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
