રામ મંદિરમાં રેઢા પડ, ખાનગી કર્મીઓએ દાનપેટી ખાલી કરી ખિસ્સા ભર્યા

એજન્સીના કર્મચારીઓ સીસીટીવી કેમેરાની લૂંટ, કરોડોની આવક છતાં અવર જવર ઉપર કોઈ દેખરેખ નહીં નોટો ગણવાનો કોન્ટ્રાકટ SBIને અપાયો અને બેંકે પ્રાઈવેટ એજન્સીને ‘વહીવટ’ સોંપ્યો,…

એજન્સીના કર્મચારીઓ સીસીટીવી કેમેરાની લૂંટ, કરોડોની આવક છતાં અવર જવર ઉપર કોઈ દેખરેખ નહીં

નોટો ગણવાનો કોન્ટ્રાકટ SBIને અપાયો અને બેંકે પ્રાઈવેટ એજન્સીને ‘વહીવટ’ સોંપ્યો, એજન્સીએ ટ્રસ્ટીઓના મામકાઓને નોકરીએ ગોઠવી દીધા

અયોધ્યા શ્રી રામમંદિરમાં દાન અને પ્રસાદની રકમમાં થયેલી કથિત ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. SITની પ્રાથમિક તપાસમાં મંદિર પરિસરથી લઈને ટ્રસ્ટના રૂૂમ સુધી દરેક સ્તરે ઘોર બેદરકારી અને સુરક્ષા ક્ષતિઓ સામે આવી છે. રામમંદિર ટ્રસ્ટના ભંડોળ અને બેંકિંગ વ્યવહારો સંભાળતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા નોટો અલગ કરવા અને ગણવા માટે જે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, તેના કર્મચારીઓ જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

SITના રિપોર્ટ અનુસાર, વારાણસીની એક ખાનગી સુરક્ષા એજન્સીને SBI દ્વારા નોટોની ગણતરીનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. આ એજન્સીએ રામમંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની ભલામણોના આધારે અયોધ્યાના જ સ્થાનિક યુવકોને નોકરી પર રાખ્યા હતા. જોકે, અનુકુલ મિશ્રા નામના કર્મચારીએ પોતાના સાળા લવકુશ મિશ્રાને અહીં નોકરીએ રખાવ્યો હતો. નિયમ મુજબ તમામ કર્મચારીઓ માટે ખાસ યુનિફોર્મ નક્કી કરાયો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે કોઈ કર્મચારી યુનિફોર્મ પહેરતો નહોતો અને પોતાના જ કપડાં પહેરીને રૂૂમમાં બેસી નોટો ગણતા હતા. કર્મચારીઓના આગમન અને પ્રસ્થાન સમયે કોઈ પ્રકારનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવતું નહોતું. કોણ રૂૂમની અંદર શું લાવી રહ્યું છે અને બહાર શું લઈ જઈ રહ્યું છે તેની દેખરેખ રાખવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું હતું.

સૌથી વધુ આઘાતજનક બાબત સીસીટીવી (CCTV) ફૂટેજના ઓડિટમાં સામે આવી છે. બેન્ક અને એજન્સીના કર્મચારીઓ એટલા બેફામ બન્યા હતા કે તેઓ દાનની રકમ ચોરવા માટે જાણીજોઈને સીસીટીવી કેમેરાની બિલકુલ સામે આવીને ઊભા રહી જતા હતા, જેથી પાછળ થઈ રહેલી નોટોની ઉચાપત કેમેરામાં કેદ ન થાય. દાનપેટીઓ લાવવાથી લઈને બેન્કમાં જમા કરાવવા સુધીની આખી ચેઇનમાં ગંભીર બેદરકારી મળી આવી છે.

SITની ટીમે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને પોતાનો પ્રારંભિક અહેવાલ રજૂ કરી દીધો છે, જેના આધારે હવે વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. બીજી તરફ તપાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે SIT દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ તપાસના દાયરામાં આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓને પૂર્વ મંજૂરી વિના અયોધ્યા છોડવા પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પૂછપરછ માટે તમામ સંબંધિત લોકોની હાજરી અનિવાર્ય રાખવા આ આદેશ કરાયો છે.

સિંધી સમાજે આપેલી 200 ચાંદીની ઈંટો ગાયબ થઈ ગઈ : પહોંચ પણ ન આપી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હવે સિંધી સમાજ પણ જોડાયો છે. સિંધી સમાજે વર્ષ 2021માં રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરેલી 200 કિલો ચાંદીની ઈંટો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સિંધી સેવા સંગમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજુ મનવાનીનો આરોપ છે કે તેમણે દાનમાં આપેલી આટલી મોટી માત્રામાં ચાંદીની આજ દિન સુધી કોઈ સત્તાવાર રસીદ કે માહિતી ટ્રસ્ટ તરફથી આપવામાં આવી નથી. ડો. રાજુ મનવાનીના જણાવ્યા અનુસાર, વિશ્વભરના સિંધી સમાજના સહયોગથી 26 જાન્યુઆરી, 2021ના રોજ 200 ચાંદીની ઈંટો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સોંપવામાં આવી હતી. આ ઈંટો પર સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની તસવીર પણ અંકિત હતી. કારસેવક પુરમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 12 દેશોમાંથી સિંધી સમાજના પ્રતિનિધિઓ ખાસ અયોધ્યા પહોંચ્યા હતા. ડો. મનવાનીએ આ કાર્યક્રમની તસવીરો પણ શેર કરી છે.

 

CBI અને CAG તપાસની માંગ સાથે અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL
રામમંદિર જેવા પવિત્ર સ્થળે થયેલી આ નાણાકીય અનિયમિતતા અને કથિત ઉચાપતની ગંભીરતાને જોતાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સમગ્ર કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને દેશની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) પાસે કરાવવાની માંગ કરવામાં આવી છે. હાઈકોર્ટની કોર્ટ નંબર 2 માં આ કેસ સૂચિબદ્ધ થયો છે અને ટૂંક સમયમાં જ તેની પર સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

મહંમદ ગઝનીએ સોમનાથ લૂંટ્યું એમ ભાજપે રામ મંદિર લૂંટ્યું: સંજય રાઉત
કાર સેવકોના લોહી અને બલિદાનથી નિર્માણ થયેલ રામમંદિરમાં દાનચોરી મુદ્દે ભાજપ પર સીધુ નિશાન તાકયું

અયોધ્યા રામ મંદિર દાન વિવાદ પર રાજકારણ ગરમાયું છે. ચર્ચા હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. સોમવારે, શિવસેના (UBT) એ આ મુદ્દા પર ભાજપ પર સીધો હુમલો કર્યો. તેના મુખપત્ર ’સામના’ માં, પાર્ટીએ ભાજપને ’રામ મંદિર લૂંટનારા’ તરીકે ઓળખાવ્યો. તંત્રીલેખમાં શિવસેનાએ લખ્યું છે કે કાર સેવકોએ રામ મંદિરના નિર્માણ માટે લોહી વહેવડાવ્યું અને બલિદાન આપ્યું, છતાં ભાજપ – હાલમાં સત્તામાં છે – તે જ મંદિર લૂંટી લીધું.
તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે, “દેશે હવે જોયું છે કે ’મંદિર વિકાસ’નો ખરો અર્થ શું છે: અયોધ્યાના રામ મંદિરમાં દાનપેટીઓની લૂંટ.” પક્ષે દાવો કર્યો હતો કે દાનપેટીઓમાંથી રોકડ, સોનું, ચાંદી અને દાગીનાની ચોરી કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.

તંત્રીલેખમાં ભાજપની તુલના મધ્યયુગીન આક્રમણખોર ગઝનીના મહમૂદ સાથે કરવામાં આવી છે, જેણે સોમનાથ મંદિર લૂંટ્યું હતું. શિવસેના (UBT) એ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા દાયકામાં ઘણા મોટા મંદિરો લૂંટાઈ ગયા છે અને આ લૂંટારાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખોળામાં ભાજપમાં રહે છે. અમિત શાહ પર નિશાન સાધતા પક્ષે ટિપ્પણી કરી હતી કે તેઓ ઉદ્ધવ ઠાકરે પર આંગળી ચીંધે છે, છતાં તેઓ પોતે “રામ મંદિર લૂંટનારા” અને “લોકશાહીના ખૂની” છે. આ હુમલો તાજેતરમાં કોલ્હાપુરમાં અમિત શાહ દ્વારા યોજાયેલી જાહેર રેલી બાદ થયો છે, જ્યાં તેમણે એકનાથ શિંદે જૂથને “વાસ્તવિક” શિવસેના જાહેર કર્યું હતું અને અંબાબાઈ મંદિરના વિકાસ વિશે વાત કરી હતી. શિવસેના (UBT) એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જ્યારે તેઓ રામ મંદિરની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે ત્યારે અંબાબાઈ મંદિર વિકસાવવાનો પ્રસ્તાવ કેવી રીતે મૂકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *