રેલનગરમાં રહેતો સગીર સ્કૂલેથી ઘરે જતો હતો ને ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો: એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોક
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા ખાટુ શ્યામ મંદિર પાસે હિટ એન્ડ રન ઘટના સામે આવી હતી. રેલનગરમાં રહેતો ધો.11નો છાત્ર સ્કૂલેથી ઘરે જતો હતો ત્યારે અજાણયો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા છાત્રનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા ક્રિષ્ના બંગ્લોઝ-3માં રહેતો અને ઘંટેશ્વર પાસે આવેલી કિસ્ટલ સ્કૂલમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતો મિલન અખિલેશભાઇ મોરીયા (ઉ.વ.16)નામનો છાત્ર આજે બપોરે 1.30 વાગ્યાના અરસામાં સ્કૂલેથી છૂટીને એક્ટિવા લઇ ઘરે આવતો હતો. ત્યારે જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિર નજીક પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી નાશી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિલકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ટૂંકી સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મિલન એક બહેનનો એકનો એક નાનો ભાઇ હોવાનુ અને તેના પિતા એલ્યુમિનિયમ સેકેશનનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યુ છે. સગીર પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
