જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.
આ કેસ ની વિગત એવી છે કે, ભાવનગર અદાલતે જીલ્લા ના ભંડારીયા ગામે રહેતા જયુભા કનુભા ગોહિલની દીકરી પુર્ણાબાના લગ્ન આરબલુસ ગામે રહેતા શકિતસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતાં. લગ્ન બાદ પૂર્ણાબાને તેના પતિ શક્તિસિંહ રાજુભા ત્થા જેઠાણી અનિતાબા અનોપસિંહ દ્વારા દુ:ખ,ત્રાસ આપવામાં આવતો હતો. તેથી તેઓનો ત્રાસ સહન ન કરી શકતા પુર્ણબા એ આત્મહત્યા કરેલ હોવા ની ફરીયાદ જયુભા ગોહિલ એ લાલપુર પોલીસ સ્ટેશન માં નોંધાવેલ હતી.
આ ગુન્હા ની પોલીસ દ્વારા ઝીણવટ પૂર્વક તપાસ કરતાં જણાયું હતું કે, ગુજરનાર પૂર્ણાબાએ એ ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરેલ નથી. પરંતુ તેના પતિ શકિતસિંહ દ્વારા અને જેઠાણી અનિતાબાના સહકારથી પુર્ણબાની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ કરી આરોપી ઓ સામે પુરતા પુરાવા મેળવી અદાલત માં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ કેસ જામનગર ની સેશન્સ કોર્ટ માં ચાલવા પર આવતા સરકાર તરફે એ.પી.પી ધમેન્દ્ર એ. જીવરાજાની હાજર થયેલા અને 44 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી 26 જેટલા સાહેદો ને તપાસેલ હતાં. આરોપી ઓ દ્વારા પોતે બનાવ સમયે હાજર ન હોય અને તેઓએ મરણજનાર નું ખુન કરેલ ન હોય, પોલીસે ખોટી રીતે ખુન કેસમાં સંડોવી દીધેલ હોય અને પોતે નિદોર્ષ હોય તેથી છોડી મુકવા માટે રજુઆત કરેલ હતી. જેની સામે સરકાર તરફે એ.પી.પી. ધમેન્દ્ર એ. જીવરાજાની એ આરોપીઓ ના બચાવનો વિરોધ કરી દલીલ કરેલ હતી કે, પી.એમ. કરનાર ડોકટરે મરણજનારનું મૃત્યુ ગળાફાંસો નહીં પરંતુ ગળેટુંપો દઈને થયેલ હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આપેલો છે.
સરકાર દ્વારા જરૂૂરી અને મહત્વ ના પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની થયેલી છે. તથા કેસ સ્પષ્ટ પણે સાબીત કરવામાં આવેલ છે. વિગેરે કરેલ દલીલો માન્ય રાખી એડી. સેશન્સ જજ આર.વી.માંડણી એ આરોપી શકિતસિંહ રાજુભા ત્થા આરોપી અનિતાબા અનોપસિંહ ને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે.
