સુરત જિલ્લામાં થયેલા ચર્ચિત સોનલ સોલંકી હત્યા કેસમાં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. કેસમાં મુખ્ય આરોપી આરટીઓ અધિકારી નિકુંજ એ પોતાની પત્નીની હત્યા માટે લાંબા સમયથી સુનિયોજિત ષડયંત્ર રચ્યું હોવાનો પોલીસનો દાવો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે નિકુંજે સહઆરોપી ઇશ્વરપુરી ને સોપારી આપી હતી અને ગોળીબારની ખાસ પ્રેક્ટિસ પણ કરાવી હતી જેથી હત્યા સમયે નિશાન ચૂકે નહીં.
પોલીસ તપાસ મુજબ નિકુંજે ઇશ્વરપુરીને બિહાર મોકલી પિસ્તોલ અને ગોળીઓ મંગાવવા માટે અંદાજે દોઢ લાખ રૂૂપિયા આપ્યા હતા. પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાં ગોળીઓ ભરી તેણે ઇશ્વરપુરીને લગભગ 200 રાઉન્ડ ફાયરિંગની પ્રેક્ટિસ કરાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાની પત્નીની કારમાં GPS ટ્રેકર લગાવવા માટે પોતાની સાસુના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. GPS દ્વારા પીડિતાની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવતી હતી. બીજી તરફ હત્યા બાદ આરોપી ઇશ્વરપુરી શિરડી તરફ ભાગ્યો હતો અને રસ્તામાં એક ઢાબા પર મેગી ખાધી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે નિકુંજ પોતાની સંડોવણી છુપાવવા માટે ઘટનાના સમયે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર દોઢ મિનિટ માટે ગયો હતો જેથી પોતે ઘટનાસ્થળથી દૂર હોવાનું દર્શાવી શકે. જોકે ટેક્નિકલ પુરાવા, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર કાવતરું બહાર લાવ્યું છે.
તપાસમાં વધુમાં ખુલ્યું છે કે નિકુંજ અને તેની એક સ્ત્રીમિત્ર વચ્ચે સંબંધ હોવાની શંકાને કારણે દાંપત્ય જીવનમાં સતત ઝઘડા થતા હતા. આરોપી નિકુંજે પોતાની સ્ત્રીમિત્રનો નંબર મોબાઈલમાં „ RTO H.M. પટેલ નામથી સેવ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય.
હાલ સમગ્ર કેસમાં પોલીસે ટેક્નિકલ પુરાવા, GPS ડેટા, કોલ ડિટેઇલ્સ, સીસીટીવી ફૂટેજ અને હથિયાર સંબંધિત માહિતીના આધારે મજબૂત ચાર્જશીટ તૈયાર કરી છે. હવે આ હાઈપ્રોફાઈલ કેસ કોર્ટમાં ટ્રાયલ માટે આગળ વધશે.
ચાર્જશીટમાં સામેલ કરવામાં આવેલા મહત્ત્વના મુદ્દા
* નિકુંજે આરટીઓ અધિકારી હોય તેણે સ્ત્રીમિત્રનો નંબર આરટીઓ એચ.એમ. પટેલ, આરટીઓ તરીકે સેવ કર્યો હતો. તેનું અફેર ચાલી રહ્યુ હોવાની શંકાના આધારે જ બંને વચ્ચે ઝઘડા શરૂૂ થયા હતા.
* પિસ્તોલ ખરીદવા નિકુંજે જ ઇશ્વરપુરીને દોઢ લાખ આપી બિહાર મોકલ્યો હતો, પોતાની પાસેની લાઈસન્સવાળી પિસ્તોલમાં ગોળીઓ નાંખી ઇશ્વરપુરીને પ્રેક્ટિસ કરાવી હતી.
* હત્યા બાદ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું.
* બાદમાં બંને આરોપીઓ મહારાષ્ટ્રના માલસેજ ઘાટ પર ભેગા થાય છે ત્યાંથી મધ્યપ્રદેશ જાય છે. હોટલમાં રોકાવા માટે બોગસ આઇડીનો ઉપયોગ કરવા માટે જ આરોપી એ પતિએ 22 લાઈસન્સ પોતાની પાસે રાખ્યા હતા.
* ઇશ્વરપુરી જે હથિયાર લાવ્યો તે નિકુંજ પોતાના ઘરે રાખે છે.
* આરોપી નિકુંજે 2024માં 200 રાઉન્ડ ખરીદ્યા હતા અને બાદમાં 2025માં પણ 200 રાઉન્ડ ખરીદ્યા હતા.
* નિકુંજ-ઇશ્વરે ચૌટામાંથી માસ્ક સહિતના સામગ્રીની ખરીદી કરી હતી
* ઇશ્વરપુરી બે લોડેડ પિસ્તોલ સાથે હત્યા કરવા માટે જાય છે.
* આરોપી ઇશ્વરપુરી નકળાંક ઇન્ડ્સ્ટ્રીઝના સીસીટીવીમાં પહેલીવાર પકડાઈ જાય છે ત્યારે તેણે હેલ્મેટ પહેરેલું ન હતું
* આરોપી લોડેડ પિસ્તોલમાંથી ગોળીઓ કાઢીને અંબિકા નદીમાં ફેંકે છે, અન્ય પિસ્તોલ અને મેગઝીન અલગ-અલગ જગ્યાએ ફેંકે છે.
* આરોપીની જડતી દરમિયાન તેના ઘરેથી કાયદાનાં 23 પુસ્તકો મળી આવ્યાં હતાં.
* જે ગાડીઓનાં રજિસ્ટ્રેશન કેન્સલ થાય એની નંબર પ્લેટ કાઢીને આરોપી નિકુંજ પોતાની પાસે જ રાખતો હતો.
