રાજકોટ નજીક અમદાવાદ હાઈવે ઉપર આવેલા હીરાસર એરપોર્ટ પાસે કંપનીમાં કામ કરતો યુવાન પોતાના મિત્ર સાથે પુત્રનું સ્કૂલ લિવિંગસર્ટી લેવા પોતાનું બાઈક લઇ કુવાડવા જઈ રહ્યો હતો ત્યારે હીરાસર એરપોર્ટ પાસે અજાણ્યા આઇસર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને મિત્રની નજર સામે જ દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે કંપનીમાં રહેતા દિપક સુનોબલભાઈ મૂડ (ઉ.વ.35) અને તેનો મિત્ર રવિ ગિરધરલાલ રંગના (ઉ.વ.26) બંને પોતાનું બાઈક લઇ હીરાસર એરપોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા આઇસર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો અકસ્માત સર્જી આઇસર ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા દીપકભાઈનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો પ્રાથમિક પૂછપરછમાં મૃતક દીપકભાઈ મૂળ આસામના વતની હતા અને હીરાસર એરપોર્ટ પાસે કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીપકભાઈ મૂડના પુત્રને વતનમાં એડમિશન લેવાનું હોવાથી કુવાડવા આવેલી સ્કૂલ ખાતે સ્કૂલ લિવિંગસર્ટી લેવા માટે જતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં અમદાવાદમાં રહેતા મોહિતભાઈ રાધેશ્યામભાઈ નખેડીયા (ઉ.વ.35) અને જસદણના શિવરાજપુર ગામે રહેતા હાર્દિક અરજણભાઈ રાદડિયા (ઉ.વ.28) રાત્રીના પાંચેક વાગ્યાના અરસામાં કાર લઈ કુવાડવા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
