માર્ગ પર પશુ આડું આવતા બાઈક સ્લિપ થયું; ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વિસામળ ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દામજીભાઈ નાનજીભાઈ સોરઠીયા (ઉં.વ. 70) નામના વૃદ્ધ આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી માહિતી મુજબ, દામજીભાઈ સવારના આશરે 9:30 વાગ્યાની આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને કામઅર્થે જઈ રહ્યા હતા, ત્યારે પડધરી પાસે અચાનક એક ખૂટિયો (આખલો) રસ્તા પર આડો ઉતર્યો હતો. અચાનક પશુ સામે આવી જતાં દામજીભાઈએ બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને મોટરસાયકલ જોરદાર સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં તેમને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ દુર્ઘટના પાછળની કરુણતા એ છે કે દામજીભાઈ પોતાની મહેનતથી પકવેલું જીરું લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. યાર્ડમાં જીરાની હરાજીની પ્રક્રિયા ચાલી રહી હોય, તેઓ હરાજીમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં આ કમનસીબ ઘટના ઘટી હતી. ઉલ્લેખનીય છે કે, ઇજાગ્રસ્ત વૃદ્ધને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.
ખેતીકામ કરીને પરિવારનો ભાર વહન કરતા વૃદ્ધ ખેડૂત સાથે બનેલી આ ઘટનાને પગલે વિસામળ ગામ અને તેમના પરિવારમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં તેમની તબિયત પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. માર્ગો પર રખડતા પશુઓના કારણે સર્જાતા અકસ્માતોની સમસ્યા ફરી એકવાર આ ઘટનાથી સપાટી પર આવી છે.
