શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શને જવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી બુધવાર અને ગુરુવારે ગબ્બર પર્વત પર શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી આ આકરો પણ જરૂૂરી નિર્ણય લીધો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલ (બુધવાર) અને 23 એપ્રિલ (ગુરુવાર) ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની શરૂૂઆત સાથે જ ગબ્બર પર સર્જાતા એક ચોક્કસ જોખમને ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વેના ટાવર આસપાસ મોટા પ્રમાણમાં મધપૂડા આવેલા છે. ઉનાળાની આકરી ગરમીને કારણે મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની શક્યતા વધી જાય છે. ભૂતકાળમાં મધમાખી કરડવાના અનેક બનાવો બની ચૂક્યા છે, ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ બે દિવસ દરમિયાન વિશેષ ટીમ દ્વારા મધપૂડા ઉતારવાની કામગીરી કરવામાં આવશે.
ભક્તો માટે રાહતના સમાચાર એ છે કે આ પ્રતિબંધ માત્ર ગબ્બર પર્વત અને રોપ-વે સેવા માટે જ છે. અંબાજીનું મુખ્ય શિખરબંધ મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ચાલુ રહેશે. જે યાત્રાળુઓ અંબાજી જઈ રહ્યા છે તેઓ મુખ્ય મંદિરે મા અંબાના દર્શન કરી શકશે, પરંતુ ગબ્બર પર જઈ શકશે નહીં.
મધપૂડા હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ, 24 એપ્રિલ (શુક્રવાર) થી ગબ્બર પર્વત અને રોપ-વે સેવા ફરીથી ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવશે. વહીવટી તંત્રએ યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ આ બે દિવસ ગબ્બરનો પ્લાન ટાળીને તંત્રને સહકાર આપે.
