જામનગર શહેરમાં આવેલી લેબર કોલોનીમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રિના અંધારામાં તૈયાર થયેલું ભોજન આરોગ્યા બાદ એક પછી એક શ્રમિકોની તબિયત લથડવા લાગી હતી. જોતજોતામાં 47 થી વધુ મજૂરોને ખોરાકી ઝેરની અસર થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
લેબર કોલોનીમાં વસવાટ કરતા શ્રમિકોએ રાત્રિના સમયે રાંધેલો ખોરાક લીધો હતો, પરંતુ જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ઉલટી અને અસહ્ય પેટમાં દુખાવા જેવી ફરિયાદો થવા લાગી હતી. રાત્રિના અંધકારમાં અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને અન્ય સાથીદારોએ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા.
તમામ અસરગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર માટે જામનગરની પ્રખ્યાત સરકારી જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા અને દર્દીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસને રાત્રિના સમયે જ તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપ્યો હતો. તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમે તાત્કાલિક ધોરણે તમામ શ્રમિકોની સારવાર શરૂૂ કરી દીધી હતી.
હાલમાં 47 થી વધુ મજૂરો સરકારી જીજી હોસ્પિટલના વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલ સત્તાવાળાઓ તમામ દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ખોરાકમાં કયા પદાર્થને કારણે ઝેરી અસર થઈ તે જાણવા માટેના પ્રયાસો પણ શરૂૂ કરવામાં આવ્યા છે. લેબર કોલોનીમાં રહેતા અન્ય શ્રમિકોમાં પણ આ ઘટનાને પગલે ભારે ચિંતા જોવા મળી રહી છે.
