રાજકોટ શહેરના નરસંગપરા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ અગ્રાવત, જેઓ વ્યવસાયે મજૂરી કામ કરે છે અને ગોકુલ હોસ્પિટલ પાસે ચાની હોટલમાં ફરજ બજાવે છે, તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ, ગત તારીખ 16 જૂન 2025ના રોજ ફરિયાદી તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે સામેના ઘરે સૂવા ગયા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરની અંદર રાખેલી ચીજવસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી અને કિંમતી સામાનની શોધખોળ કરી હતી. ફરિયાદી જ્યારે બીજા દિવસે સવારે ઘરે પરત ફર્યા ત્યારે તેમને ઘરનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રૂૂમમાં રહેલી શેટીના ગાદલા નીચે રાખેલા રોકડા ₹70,000 ગાયબ હતા. આ ઉપરાંત, અભેરાઈ પર રાખેલી ડબ્બીમાંથી અંદાજે 1 ગ્રામ વજનનો સોનાનો પાટલો, જેની કિંમત ₹6,000 અંકાય છે, તેની પણ ચોરી થઈ હતી. આમ, કુલ ₹76,000ની મત્તાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના અંગે વિલંબથી ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ જણાવતા ફરિયાદીએ કહ્યું કે, ચોરી સમયે તેમની પાસે દાગીનાના બિલ ઉપલબ્ધ નહોતા, જે હવે મળી આવતા તેમણે વિધિવત ફરિયાદ કરી છે. પ્રદયુમનનગર પોલીસે આ મામલે બી.એન.એસ. ની કલમ 305(ફ) અને 331(4) હેઠળ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયકુમાર બળવંતભાઈ રાણીંગાને સોંપવામાં આવી છે, જેઓ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી રહ્યા છે.
