પડધરી નજીક અકસ્માતની હારમાળા સર્જી ફરાર થયેલા બે બુટલેગર સહિત 4ની ધરપકડ

પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર…

પડધરી તાલુકાના સરપદડ, રાદડ, હિંદડ અને ઈટાળા રોડ પર ગઈકાલે સાંજે એક બલેનો કારના ચાલકે પૂરપાટ વેગે કાર હંકારી આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર ચાલકે એક બાદ એક વાહનો અને રાહદારીઓને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આ મામલે પડધરી પોલીસે 22 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર શખ્સ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે રાદડ ગામે રહેતા 22 વર્ષીય રિક્ષા ચાલક યજુરાજસિંહ શાંતુભા જાડેજાએ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યજુરાજસિંહ જ્યારે સરપદડથી શિવરાજસિંહ અને જયપાલસિંહને પોતાની રિક્ષામાં બેસાડી રાદડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ વેગે આવતી એક બલેનો કારે ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. કાર ચાલકે અચાનક યુ-ટર્ન લઈ રિક્ષા તરફ કાર હંકારી મૂકતા, રિક્ષામાં સવાર ત્રણેય યુવાનોએ જીવ બચાવવા ચાલુ રિક્ષાએ નીચે કૂદકો માર્યો હતો.

ત્યારબાદ કાર ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષા રોડ નીચે વોકળામાં ખાબકી હતી. અકસ્માત સર્જ્યા બાદ આ શખ્સોએ અન્ય સ્થળોએ પણ અરાજકતા ફેલાવી હતી. અગાઉ સરપદડ ગામે આ કારે એક ઈકો ગાડી સાથે પણ અકસ્માત કર્યો હતો. જ્યારે લોકોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કારમાં સવાર નવઘણ નામના શખ્સે ઉશ્કેરાઈને “આજે તો બધાને મારી જ નાખવા છે” તેમ કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ અને ગ્રામજનોએ નાકાબંધી કરી કારને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક ફિલ્મી ઢબે કાર હંકારી નાસી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પડધરી પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ રસ્તામાં અન્ય ત્રણ જેટલા લોકોને પણ હડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ કારમાં સવાર ચારેય શખ્સોને દબોચી લીધા હતા.જેમાંઝડપાયેલા આરોપીમાં નવઘણ મોહનભાઈ બાંભવા (રહે. મોરબી) જેની સામે મોરબી, જામનગર, અમદાવાદ સહિતના શહેરોમાં અગાઉ 22 જેટલા ગુના નોંધાયેલા છે, નારણ નાથાભાઈ બાંભવા (રહે. રાજકોટ), રવિ રઘુભાઈ બાંભવા (રહે. પડધરી) અને પ્રવિણ મંગાભાઈ બાંભવા પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ગુનાહિત કુંડળી ખંગાળવાની સાથે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે કરી આગળની તપાસ શરૂૂ કરી છે. પૂરપાટ વેગે ગાડી ચલાવી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનાર આ શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *