મોરબીમાં ખડગેની ટીપ્પણીનો વિરોધ, ભાજપ કાર્યકરો રસ્તા પર

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મોરબીમાં ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને મોરબીમાં ભાજપ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ’અભણ’ ગણાવતા ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચી હોવાના આક્ષેપ સાથે ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા. કાર્યકરોએ હાથમાં બેનરો લઈને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બેનરોમાં “ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે”, “અમે ગુજરાતીઓ મૂર્ખ નથી” અને “માફી માંગે કોંગ્રેસ” જેવા લખાણો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે હાય હાયના નારા પણ લગાવ્યા હતા.

ગુજરાતે હંમેશા દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલથી લઈને આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આવા સમયે મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવું તે કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે.વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસે હંમેશા ગુજરાતના વિકાસમાં અવરોધો ઊભા કર્યા છે, પછી તે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનો પ્રશ્ન હોય કે અન્ય વિકાસકાર્યો. આગામી સમયમાં ગુજરાતની જનતા આ અપમાનનો જવાબ ચૂંટણીમાં આપશે તેમ પણ કાર્યકરોએ જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *