આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 35 હજારનો દંડ વસૂલાઇ
શહેરમાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાહનોમાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરનારા તત્વો સામે રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંક દ્વારા લાલ આંખ કરી છે. ખાસ કરીને વાહનોમાં લગાવવામાં આવતી ગેરકાયદેસર અને આંખને અંજાવી દેતી એલઈડી લાઈટો સામે તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોમાં પણ ગેરકાયદેસર લાઈટિંગ મળી આવતા આરટીઓ અધિકારીઓએ કડક હાથે કામ લીધું છે.
રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના સીધા માર્ગદર્શન હેઠળ આરટીઓની ટીમ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરટીઓ વિભાગને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે અનેક વાહનચાલકો પોતાના વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની અત્યંત તેજ પ્રકાશ ફેંકતી એલઈડી લાઈટો લગાવે છે, જેના કારણે સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે અને ગંભીર અકસ્માત થવાની ભીતિ રહે છે.
આ ઓપરેશન દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમે શંકાસ્પદ વાહનોને અટકાવી તપાસ કરી હતી. આ ચેકિંગમાં ગેરકાયદેસર એલઈડી લાઈટો લગાવનાર તેમજ મંજુરી વિના વાહનોમાં સીએનજી કીટ ફીટ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી જેમાં કુલ પાંચ વાહનો એવા મળી આવ્યા હતા જેમાં નિયમ વિરુદ્ધની હાઈ-બીમ એલઈડી લાઈટો અને અન્ય ગેરકાયદેસર એસેસરીઝ તેમજ સીએનજી કીટ લગાડવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે, આ વાહનોમાં એમ્બ્યુલન્સનો પણ સમાવેશ થાય છે. સરકારી ધારાધોરણો મુજબ ઈમરજન્સી વાહનોમાં ચોક્કસ પ્રકારની જ લાઈટિંગ હોવી જોઈએ, પરંતુ અહીં મર્યાદા કરતા વધુ અને તીવ્ર લાઈટો જોવા મળી હતી. નિયમોના ભંગ બદલ આ તમામ વાહનચાલકો પાસેથી કુલ રૂૂપિયા 35,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ આ વાહનોમાંથી ગેરકાયદેસર લાઈટો દૂર કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. રાજકોટના નવનિયુક્ત આરટીઓ અધિકારીઓના આઈ.એસ.ટાંક જેઓએ ગુજરાતમાં અનધિકૃત સફેદ એલઈડી લાઇટ્સ સામે નિયમો લાગુ કરવા બદલ મહત્વની કામગીરી કરી છે.
તેમણે અગાઉ ભાવનગરમાં સેવા આપી હતી અને ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ અને પરિવહનનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા માટે ઝુંબેશ શરુ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, બજારમાં મળતી આફ્ટર-માર્કેટ એલઈડી લાઈટોમાં પ્રકાશની તીવ્રતા નક્કી કરેલી મર્યાદા કરતા ઘણી વધારે હોય છે. રાત્રિના સમયે જ્યારે આવા વાહનો હાઈ-બીમ પર લાઈટ રાખે છે, ત્યારે સામેથી આવતા ચાલકને થોડી સેક્ધડો માટે રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. આ ક્ષણિક અંધાપો હાઈવે કે શહેરના ગીચ રસ્તાઓ પર જીવલેણ અકસ્માતનું કારણ બને છે.
