શહેરમાં નાણાકીય લેતીદેતી મામલે મારામારી અને આપઘાતના પ્રયાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જંકશન વિસ્તારમાં આવેલા બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય રવિનાબેન સુનિલભાઈ મોટવાણીએ ઉછીના આપેલા પૈસા પરત માંગતા પાડોશમાં રહેતા દંપતીએ તેમની સાથે ઉગ્ર ઝઘડો કરી શારીરિક માર માર્યો હતો. આ ઘટનાથી વ્યથિત થઈને પરિણીતાએ રાત્રિના સમયે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, રવિનાબેને આરોપી ભગવાનદાસ મૈયાણી અને તેની પત્ની સીમાને અગાઉ 1 લાખ રૂૂપિયા ઉછીના આપ્યા હતા. જેમાંથી 45 હજાર રૂૂપિયા પરત મળી ગયા હતા, પરંતુ બાકીના 55 હજાર રૂૂપિયા લાંબા સમયથી લેવાના બાકી હતા. ગત રાત્રિના આઠ વાગ્યાના અરસામાં જ્યારે રવિનાબેન આ બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરવા માટે ગયા ત્યારે સામેવાળા પક્ષે ઉશ્કેરાઈ જઈને તેમની સાથે ગાળાગાળી કરી હતી. મામલો બિચકતા ભગવાનદાસ અને તેની પત્ની સીમાએ રવિનાબેન પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
જાહેરમાં થયેલા આ અપમાન અને મારપીટની ઘટનાથી રવિનાબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેઓએ ઘરે પરત ફરીને અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં ફિનાઈલ ગટગટાવી લીધું હતું.હોસ્પિટલના બિછાનેથી મળેલી વિગતો અનુસાર, રવિનાબેનના લગ્નને આઠ વર્ષનો સમય વીતી ચૂક્યો છે અને સંતાનમાં તેમને એક દીકરી છે. હાલમાં આ મામલે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.
