જેલમાં ન જવું પડે માટે બ્લેડથી હાથની નસ કાપી, હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા અમરેલી પોલીસે પકડયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર જેલમાં હાજર ન થતા ફરાર થયેલા ગેંગરેપના ગુનામાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદીને અમરેલી પોલીસની પેરોલ-ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે. રાજકોટ ગેંગરેપનો ઇમરાન ઉર્ફે ઇમુ સોલંકી (ઉ.વ.30) નામનો કેદી ફર્લો રજા પરથી હાજર નહીં થતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પો.ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના રાહબરી હેઠળ પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ કેદી જેલમાં સમયસર હાજર ન થવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે બ્લેડથી પોતાના હાથની નસ કાપી નાખતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશમાં હતો. આ માહિતી મળતા જ પેરોલ-ફર્લો સ્કવોર્ડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
