મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો
લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે લાઠી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિક્રમભાઈ ઈડીયાભાઇ અજનાર (ઉ.વ. 60) મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના લીલુમારી ગામના વતની હતા. તેઓ ભુરખીયા ગામે પ્રકાશભાઈ બારડની વાડીએ રહી મજૂરી કામ કરતા હતા. કુવામાં ઉતરતી વખતે અચાનક તેમના હાથમાંથી દોરડું છૂટી ગયું હતું, જેના કારણે તેઓ સીધા કુવાના ઊંડા પાણીમાં ખાબક્યા હતા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.
આ બનાવની જાણ લાઠી પોલીસને થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
