હીરાસર એરપોર્ટ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બામણબોરના વતની બાવરિયા પરિવારના સભ્યો લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા.
ઘટનાની વિગત એવી છે કે,બામણબોર પાસે રહેતા શારદાબેન જેસિંગભાઈ બાવરિયા (ઉ.32), તેમના પતિ જેસિંગભાઈ (ઉ.36), બે પુત્રીઓ પ્રિયા અને શિલ્પા (ઉ.14) તેમજ પુત્ર રોનક (ઉ.9) રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન હીરાસર એરપોર્ટ નજીક એક બેફામ ગતિએ આવતી કારના ચાલકે રિક્ષાને જોરદાર ઠોકર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષામાં સવાર તમામ પાંચેય સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
શારદાબેને જણાવ્યા અનુસાર, તેઓ રાજકોટના રાણીગપુર ગામે તેમના માસીના દીકરાના લગ્નના માંડવા પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રે પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો.આ ઘટનામાં માસીના દીકરાની જાન રાજકોટ શહેરના રાણીગપર ગામેથી સાત હનુમાન પાસે જવાની છે.પરંતુ તે પહેલા જ આ અકસ્માત સર્જાયો હતો.ઈજાગ્રસ્ત પરિવાર ઇમિટેશન જ્વેલરીના કામ સાથે સંકળાયેલો છે.હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
