સારવાર માટે ગયેલા યુવાનને રિવા વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો
સુરત શહેરના ડુમસ રોડ પર સુલતાનાબાદ ખાતે આવેલા ’રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર’માં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા 32 વર્ષીય યુવક ધવલ જયંતીભાઈ રાઠોડની સંસ્થાના કાઉન્સિલરો અને ડ્રાઈવરે ભેગા મળીને કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક ધવલભાઈ રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પક્ટરના ભાઈ છે, તેમ છતાં આ નરાધમોએ જરા પણ ખૌફ રાખ્યા વગર તેમને તાલિબાની સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા છે. ચારેય આરોપીની ધરપકડ કરાઈ છે.
ઘટનાની શરૂૂઆત ગત 1 માર્ચ 2026ના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં થઈ હતી. ધવલ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે 28 ફેબ્રુઆરીએ જ ડુમસના સુલતાનાબાદ સ્થિત ’રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર’માં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારની રાત્રે સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ ધવલ પાસે ગયા હતા અને તેમને સારવારની ગોળીઓ લેવા જણાવ્યું હતું. ધવલે આ ગોળીઓ લેવાની ના પાડતા જ જિગ્નેશ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કોઈપણ જાતની સમજાવટ વગર ધવલને જોરદાર તમાચો મારી દીધો હતો. આ વાતને લઈને ધવલ અને જિગ્નેશ વચ્ચે ઝપાઝપી શરૂૂ થઈ હતી.
જ્યારે ધવલે પોતાનો બચાવ કરવા બૂમાબૂમ કરી, ત્યારે નીચેના માળેથી સંસ્થાના અન્ય કાઉન્સિલરો રોહન, શૈલેષ અને સંસ્થાની ગાડીનો ડ્રાઈવર દિલીપ ઉપર દોડી આવ્યા હતા. આ ચારેય જણાએ ધવલ સાથે ગાળાગાળી શરૂૂ કરી હતી. આરોપી રોહને તો ધવલની આંખમાં આંખ પરોવી ધમકી આપી હતી કે, “તારા જેવા ઘણાને મેં સીધા કરી દીધા છે, તારી અમારી સામે થવાની હિંમત કેમ થઈ? આજે તો તને છોડવાનો નથી, તને મારી જ નાખવાનો છે.” પલંગ પર ઊંધો સુવડાવી રસ્સીથી હાથ-પગ બાંધી દીધા હતાં.
આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. ડ્રાઈવર દિલીપ નીચે જઈ લાકડી લઈ આવ્યો હતો. ત્યારબાદ રોહન, શૈલેષ અને દિલીપે ધવલને પલંગ પર ઊંધો સુવડાવી દીધો હતો. ત્રણેય શખ્સોએ ધવલના હાથ અને પગ એટલી મજબૂતીથી પકડી રાખ્યા હતા કે ધવલ સહેજ પણ હલી શકે તેમ નહોતો.
જિગ્નેશ દેસાઈએ દિલીપ પાસેથી લાકડી લઈ ધવલ પર અત્યાચાર શરૂૂ કર્યો હતો. લાકડીના એક પછી એક ફટકા ધવલના શરીર પર પડવા લાગ્યા હતા. ધવલ આજીજી કરી રહ્યો હતો, “મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો, હવે હું ગોળીઓ લઈ લઈશ.” પરંતુ જિગ્નેશના માથે ખૂન સવાર હતું. તેણે ગર્જના કરતા કહ્યું, “તું મને ઓળખતો નથી, મારી સામે બોલવાની હિંમત કેમ કરી?” જિગ્નેશે ધવલને માથાના ભાગે, કમર પર અને શરીરના અન્ય નાજુક ભાગો પર લાકડીના જીવલેણ ફટકા માર્યા હતા.
સતત માર અને ત્રાસને કારણે ધવલ રાઠોડ બેભાન થઈ ગયો હતો. જ્યારે આરોપીઓને લાગ્યું કે ધવલ હલનચલન નથી કરી રહ્યો, ત્યારે તેમણે 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ફરજ પરના તબીબોએ તપાસીને રાત્રે 10:23 વાગ્યે ધવલને મૃત જાહેર કર્યો હતો. એક પોલીસ અધિકારીના ભાઈનું આ રીતે કરપીણ મોત થતા પોલીસ બેડામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક ધવલના ભાઈ રાજકોટમાં પીઆઈ છે.
ડુમસ પોલીસે આ મામલે ફરિયાદના આધારે આરોપી જિગ્નેશ ભાસ્કરભાઈ દેસાઈ, રોહન, શૈલેષ અને દિલીપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ચારેય આરોપીઓએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી ધવલને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું છે. તમામની ધરપકડ કરવામાં આવી છે.
