જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાશ્મીર પરા વિસ્તારમાં રહેતી ફરીદાબેન જાવેદભાઈ ચૌહાણ નામની 39 વર્ષની સંધિ જ્ઞાતિની યૂવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને નીચે ઉતારીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ જાવીદભાઈ ઉંમરભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઈ વી.ડી. ઝાપડિયા સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ફરીદાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ફરીદાબેન ના પુત્રનું આજથી દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું, ત્યારબાદ તેણીને આઘાત લાગી ગયો હતો, અને પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન પુત્રના વિયોગમાં તેણીને મનમાં લાગી આવતાં પોતે પણ ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
