કરિયાણાવાળાએ સગીરાને દુકાનમાં હવસનો શિકાર બનાવી
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની શરમનાક ઘટના સામે આવી છે. કરિયાણાવાળાએ તેની દુકાને આવેલી સગીરાને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પાળીયાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાની ધરપકડ કરી લીધી છે. આરોપી જેરામ ભાલાળા ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે.
ભોગ બનનાર સગીરા તેની દુકાને વસ્તુ લેવા માટે ગઈ હતી, ત્યારે આરોપીએ તેને પકડી લીધી હતી અને બળજબરીપૂર્વક દુકાનની બાજુમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે સગીરાના પરિવારે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. કેસની ગંભીરતાને જોતા બોટાદના DYSP મનીષા દેસાઈએ આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરી હતી. પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને દબોચી લીધો હતો.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂૂ કરી છે.
