જામકંડોરણા લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવતા જાનૈયાઓની બસ ટ્રક પાછળ ઘુસી, 24 જાનૈયા લોહીલુહાણ

જાનૈયાઓ સુરતથી જામકંડોરણાના વિમલનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાયલા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી જ ટ્રકની પાછળ ઘૂસી…

જાનૈયાઓ સુરતથી જામકંડોરણાના વિમલનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. સાયલા નજીક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી જ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે બસમાં સવાર 24 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂૂ કરી હતી. લગ્નના કપડાં પહેરેલા જાનૈયાઓને લોહીલુહાણ હાલતમાં જોઈને હાજર સૌ કોઈના કાળજા કંપી ઉઠ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સાયલા અને ચોટીલા વિસ્તારની 5 જેટલી ’108’ એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને પડેલા જાનૈયાઓના પરિવારજનોને જાણ કરાતા લગ્ન પ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર કે રાજકોટ રિફર કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.અકસ્માતને કારણે સાયલા-ચોટીલા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે બસ ચાલકની બેદરકારી કે અન્ય કોઈ ટેકનિકલ કારણોસર અકસ્માત સર્જાયો છે તે દિશામાં તપાસ શરૂૂ કરી છે. પ્રજાસત્તાક દિને જ સર્જાયેલા આ કરુણ અકસ્માતે હાઈવે પરની સુરક્ષા અને વાહન ચાલકોની સાવચેતી સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *