અમરેલીના જાફરાબાદમાં હેમાળ ગામ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. વન વિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી.
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે સિંહણ નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ સિંહણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હિટ-એન્ડ-રન કરનાર વાહનચાલકને ઝડપીને કાયદાનો પાઠ ભણાવી શકાય.
