રાજકોટમાં PM મોદીનાં રોડ શોનું આયોજન જ નથી: સંઘવી

માત્ર વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં જ આવશે, મોટાપાયે તૈયારી કરતા તંત્રની મહેનત માથે પડી? સોમનાથથી સીધા વાઇબ્રન્ટ સમિટમાં હેલીપેડ માર્ગે કાર્યક્રમમાં બે કલાકનું કરશે રોકાણ, ઉદ્ઘાટન…

માત્ર વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં જ આવશે, મોટાપાયે તૈયારી કરતા તંત્રની મહેનત માથે પડી?

સોમનાથથી સીધા વાઇબ્રન્ટ સમિટમાં હેલીપેડ માર્ગે કાર્યક્રમમાં બે કલાકનું કરશે રોકાણ, ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમો

રાજકોટમાં આગામી તા.11 જાન્યુઆરીથી પાંચ દિવસ માટે યોજાનાર રિજીયોનલ વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજનાર હોવાની તૈયારી અને અહેવાલો વચ્ચે આજે રાજકોટ આવેલા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં વડાપ્રધાનના રોડ શોનું કોઈ આયોજન જ નથી અત્યાર સુધી સરકારે રોડ શો અંગે કોઈ જાહેરાત કરી નથી અને આયોજન પણ નથી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક કરેલી આ વાતથી રોડ શોના સંભવિત રૂટ ઉપર રંગરોગન અને રિનોવેશન સહિતની મોટાપાયે તૈયારી કરતું સરકારી તંત્ર પણ આશ્ર્ચર્યમાં પડી ગયું છે અને અત્યાર સુધી લાલનપાલનમાં કરેલા ખર્ચ તથા મહેનત સામે સવાલો ઉઠયા છે.

હવે નવા શિડ્યુલ મુજબ, પીએમ મોદી 10 તારીખે સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે. તેના બાદ 11 તારીખે પીએમ મોદી રાજકોટ આવશે. પીએમ મોદી સીધા વાયબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરશે.

મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી પીએમ મોદીના રોડ-શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. શહેરના મુખ્ય માર્ગોનું સમારકામ, ડિવાઈડર પર નવો કલર, ફૂટપાથની સફાઈ અને વૃક્ષોના ટ્રિમિંગ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી હતી.જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં રોડ-શોનું કોઈ આયોજન જ નહોતું. પ્રધાનમંત્રી માત્ર રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનમાં હાજરી આપશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીન હસ્તે 11મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જ્યારે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતી, તેને હું આવકારું છું.

આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *