સનફલેમ અને જીનિયસ સ્કૂલ વચ્ચે ડખ્ખામાં કરાર રદ, શિક્ષણ કાર્ય બંધ કરી દેતા છાત્રો રઝળી પડ્યા
ન્યાયની માંગ સાથે વાલીઓ દ્વારા ડીઇઓને રજૂઆત, રામધૂન, ધરણા: પોલીસ ફરિયાદ કરવાની ચિમકી
રાજકોટ શહેરમાં ખાનગી સ્કુલોનો રાફડો ફાટયો છે અને બેફામ ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ શહેરની બે નામાંકીત સ્કુલોના ડખ્ખામાં 70થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યની સામે સવાલ ઉઠયા છે. સન ફલેમ અને જીનીયસ સ્કુલ વચ્ચે ટકરાર થતા બન્નેએ એમઓયુ રદ કરી નાખી અને શૈક્ષણિક કાર્ય બંધ કરી દેતા વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. આ બાબતે વાલીઓ દ્વારા ડીઇઓને રજુઆત કરી કચેરી ખાતે રામધુન બોલાવી ધરણા પ્રદર્શન કર્યું હતું.
આ અંગે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થીપાંખ સીવાયએસએસના નેતા સુરજ બગડાઇ અને વાલીઓએ જણાવ્યું હતું કે ગોંડલ હાઇવે પર કાંગશીયાળી ખાતે સાનફલેમ સ્કુલનું બંધ હાલતમાં બિલ્ડીંગ આવેલ છે. આ બિલ્ડીંગ બંધ હોવાથી જીનીયસ સ્કુલને સંચાલન માટે સોંપવામાં આવ્યું હતું અને બન્ને વચ્ચે 10 વર્ષ માટેના કરાર થયા હતા. હાલ 1થી 8 ધોરણના નવા શૈક્ષણીક ક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. બન્ને સ્કુલો વચ્ચે કોઇપણ જાતની ટકરાર થતા તેઓએ કરાર રદ કરી નાખ્યો હતો અને શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું.
શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવાતા 70થી વધુ વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. શાળા દ્વારા ફીન ઉઘરાણી પણ કરી લેવામાં આવી હતી. હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થતા વાલીઓમાં રોષ ફેલાયો હતો અને આજે જ્લ્લિા શિક્ષણ અધિકારીની કચેરીનો ઘેરાવ કરી રામધુન બોલાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી આ બન્ને સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા રજુઆત કરી હતી અને બન્ને સંસ્થા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વાલીઓ વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે ડિઇઓને રજુઆત કરતા તેઓએ એક અઠવાડીયાનો સમય માંગ્યો હતો અને બન્ને સંસ્થાઓ તેમજ વાલીઓને કચેરી ખાતે બોલાવી રૂબરૂ સાંભળવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય ખાત્રી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
સનફલેમનો અમને અને બાળકોને ખરાબ અનુભવ: ડી.વી. મહેતા
સનફલેમ સ્કુલમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે અને તેમની સાથેના કરાર રદ કરાયા છે. સ્કુલ બંધ હોવાના કારણે 10 વર્ષ માટે અમે તેમની સાથે કરાર કર્યા હતા પરંતુ સનફલેમ સ્કુલના સંચાલકોનો અમને અને બાળકોને ખરાબ અનુભવ થતા અમે એમઓયુ રદ કર્યા છે. તેમજ બાળકોનું ભવિષ્ય ન બગલે તે માટે થઇ વાલીઓને ત્રણ ઓપસન આપવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને ત્યાંજ ભણવું હોય તો ત્યાં, પુરેપુરી ફી પરત જોતી હોય તો તે અન્યથા અમારી અન્ય બ્રાંચમાં પ્રવેશ મેળવી એક વર્ષ માટે અભ્યાસ કરી શકે છે. જેમાં તમામ સુવિધા અમે આપીશું.
અમારે ન્યાય જોઇએ છે: વાલીઓ
સનફલેમ અને જીનીયસ સ્કુલનો કરાર રદ થતા અમારા બાળકો રજળી પડયા છે. છેલ્લા એક અઠવાડીયાથી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે સ્કુલ ખાતે રજુઆત કરવા જતા ત્યાં કોઇપણ હાજર મળી આવ્યું નહોતું. દરેક ધોરણની અલગ અલગ ફી છે જેમાં સત્ર શરૂ થતા પહેલા ચાર ચેક લખાવવામાં આવ્યા હતા. સ્કુલ શરૂ થઇ ત્યારે 10 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ અમારી માંગણી એવી છે કે તેઓએ શાળા બંધ કરવાના બદલે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઇએ. અમારી માંગ છે કે અમને ન્યાય મળવો જોઇએ.
