પાંચ દિવસ પહેલાં જ દિયર વટુ કર્યુ હતું : માર મારવાથી મોત થયાનો ફોરેન્સિક રિપોર્ટ
પૈસાનો ડખો કારણભૂત : પતિ વિરૂધ્ધ ગુનો નોંઘાયો, આરોપી હાથવેંતમાં
જામનગર રોડ પર શેઠનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતી 30 વર્ષિય ભાવનાબેન અરજણ વાજેલીયા ગઇકાલે બપોર બાદ ઝૂપડામાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.તેણીને તબિબે મૃત જાહેર કરતાં મૃતકની હત્યા થયાનો આક્ષેપ તેણીની માતાએ કર્યો હતો.ભાવનાબેનના પતિનું બે વર્ષ પહેલા અવસાન થયા બાદ હજુ પાંચ દિવસ પહેલા જ તેણીએ દિયરવટુ કર્યુ હતું. આ બીજા પતિએ પૈસા મામલે માથાકુટ કરી ધોકાના ઘા ફટકારી હત્યા કર્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતુ. આ સમગ્ર ઘટનામા પોલીસ સુત્રોમાથી માહીતી મળી હતી કે મહીલાનુ મોત માર મારવાથી થયુ છે. તેમજ પ્રાથમીક ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવતા ગાંધીગ્રામ પોલીસે મૃતકના પતિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ,શેઠનગર સામે રહેતી ભાવનાબેન અરજણભાઇ વાજેલિયા (ઉ.વ.30)ને ગઇકાલે સાંજે ચારેક વાગ્યે બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેણી ઘરે બેભાન થઇ ગયાનું જણાવાયું હતું. તબિબે તેણીને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણી, પીએઅસાઇ પી. જી. રોહડીયા, રાઇટર હંસરાજભાઇ અને અમિતભાઇ કોરાટ સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મળતકના ભાવનાબેનના શરીર પર ઈજાના કેટલાક નિશાન હતા, પરંતુ તે નિશાન તાજા છે કે જૂના તે સ્પષ્ટ ન થતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
બીજી તરફ ભાવનાબેનના માતા જીવતીબેન કવાભાઇ વાજેલિયાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે મારી દિકરી ભાવનાબેનના લગ્ન અરજણ વાજેલિયા સાથે થયા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે, પતિ અરજણનું બે વર્ષ પહેલા બીમારીથી મૃત્યુ થયું હતું. પાંચ દિવસ પહેલા જ ભાવનાબેનું દિયરવટુ અરજણના ભાઇ હિરા સાથે કરવામાં આવ્યું હતું, હિરો વાજેલિયા પણ પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. એક વર્ષ પહેલા તેના એક પુત્રનું મળત્યુ થયું હતું.
જીવતીબેને વધુમાં કહ્યું હતું કે બુધવારે હિરાને પૈસા જોઇતા હોય જે મામલે પત્ની ભાવનાબેન પાસેથી પૈસા માંગતા તેણીએ પૈસા આપવાની ના કહેતા હિરો ઉશ્કેરાયો હતો અને તેણે ધોકાના આડેધડ ઘા ભાવનાને માર્યા હતા.પરમ દિવસે ભાવનાબેનને હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યારે તેણી ઇજાગ્રસ્ત હોઇ અકસ્માતમાં ઇજા થયાનું કહેવાયું હતું.
પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી અને ગઇકાલે ફરી બેભાન હાલતમાં સિવિલમાં લાવવામાં આવી ત્યારે તેણીને મૃત જાહેર કરાઇ હતી.પતિ આ બનાવ પછી ગાયબ હોઇ હત્યાની શંકા દ્રઢ બની હતી. આ સમગ્ર ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકના સુત્રોમાથી માહીતી મળી હતી કે ભાવનાબેનના મૃતદેહનુ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામા આવ્યુ છે જેમા પ્રાથમીક રીપોર્ટ દરમ્યાન ભાવનાબેનનુ મોત માર મારવાથી થયુ છે. જેને પગલે તેમના પતિ હિરા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો અને આ ફરીયાદમા મૃતકના માતા જીવતીબેન વાજેલીયાને ફરીયાદી બનાવી કાર્યવાહી કરવામા આવી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ આરોપી હિરાને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.