ગોંડલના ચરખડી ગામે રહેતા ખેતમજુર પરિવારના 7 વર્ષના પુત્રનું ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું. 7 વર્ષનું બાળક ટ્રેકટર નીચે રમતો હતો ત્યારે ચાલકે બેદરકારીથી ટ્રેકટર ચાલુ કરી હંકારી મુકતા બાળક ટ્રેકટરના તોતીંગ વ્હીલ નીચે આવી ગયો હતો. આ બનાવ અંગે ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો છે. મુળ મધ્યપ્રદેશનાં બડવાનીના ખરગોન ગામના વતની અને હાલ ગોંડલના ચરખડી ગામે ખેતમજુરી કરતાં અખીલેશ ભાવસિંગ નહાલ નામનો આદિવાસી પરિવારનો 7 વર્ષનો પુત્ર તેજ ટ્રેકટર નીચે રમતો હતો ત્યારે ટ્રેકટરના ચાલક ઉદય સવજીભાઈ કંડોરીયાએ બેદરકારી દાખવી અચાનક ટ્રેકટર ચાલુ કરીને હંકારી મુકતાં ટ્રેકટરના તોતીંગ વ્હીલ નીચે આવી જવાથી તેજ ઘાયલ થયો હતો.
જેને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. આદિવાસી પરિવારના સાત વર્ષના પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ મામલે મૃકના પિતા અખીલેશે ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચરખડી ગામના ઉદય સવજીભાઈ કંડોરીયા વિરૂધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
