રાજકોટમાં ઈન્સ્ટાગ્રામથી ઘરે બેઠા ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી વિવેક ચુડાસમા નામના યુવાન સાથે થયેલી રૂૂ.6.85 લાખની છેતરપીંડી મામલે અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા થયેલ રકમ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરી તેલંગણાથી બે આરોપી સુરેશ સદાનંદન ચલા (ઉ.વ.27) અને વેંકટેશ ઉર્ફે અરવિંદ શ્રીનિવાસ નાવલા (ઉ.વ.27)ની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે. મળતી માહિતી મુજબ રાજકોટનાં વિવેક ચુડાસમાને ઈન્સ્ટાગ્રામથી ઘરે બેઠા ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી, અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂૂા. 6.85 લાખ જમા કરાવી ઠગાઈ કરવાનાં કેસમાં સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરી હતી. જેમાં તેલંગણાનાં કરીમનગરનાં સુરેશનાં ખાતામાં ફ્રોડની – રકમ જમા થયાનું ખુલ્યું હતું. જેથી તેને ઝડપી લીધો હતો.
સાર્થોસાથ તેની પાસેથી તેનું બેંક એકાઉન્ટ લેનાર વેંકટેશની પણ ધરપકડ કરી હતી.તપાસમાં એવું બહાર આવ્યું છે કે, વેંકટેશનો ગઠીયા ટોળકીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પાર્ટટાઈમ નોકરી અપાવવાનાં નામે સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં તેને એક બેંક ખાતાની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું. જેમાં તેને 1 ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. વેંકટેશ પાસે બેંક એકાઉન્ટ ન હોવાથી તેણે સુરેશનો સંપર્ક કરી તેનું બેંક એકાઉન્ટ મેળવ્યું હતું. જેમાં પછીથી ફ્રોડની રકમ જમા થઇ હતી. સાયબર ફ્રોડના મોટાભાગનાં કિસ્સામાં ભાડે લીધેલા બેંક એકાઉન્ટનો ફ્રોડની રકમ જમા કરાવવામાં ઉપયોગ થાય છે. પરંતુ તેના સૂત્રધારો એટલા શાતિર હોય છે કે, મોટાભાગે તેમનાં નામ ખુલતા નથી.
તેની સામે અમુક રકમ માટે પોતાનાં બેંક ખાતા ભાડે આપનારા જ આખરે ઝપટે ચડે છે. આ કિસ્સામાં પણ મુખ્ય સૂત્રધારોનાં નામ બહાર આવ્યા નથી. પોતાનું બેંક એકાઉન્ટ મામુલી રકમની લાલચે ભાડે આપનારાનાં નામ જ બહાર આવ્યા છે જેઓ આ કેસમાં આરોપી બન્યાં છે. ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ એસીપી સી.એમ.પટેલની સૂચનાથી પી.આઈ જે.એમ કૈલા,પીઆઇ એસ.ડી.ગિલવા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
