પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં ઉમંગભેર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારે તેના નાના અને પાયાના કર્મચારીઓ માટે એક અત્યંત સંવેદનશીલ અને ખુશી આપનારો નિર્ણય લીધો છે. તહેવારોના આ સપરમા દહાડે નાના કર્મચારીઓના ઘરમાં પણ મીઠાઈ આવે અને તેમના બાળકો નવા કપડાં પહેરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની સત્તાવાર જાહેરાત કરી છે.
ગાંધીનગરથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના તમામ વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે 30 દિવસના પગાર બરાબર એડહોક બોનસ ચૂકવવામાં આવશે. આ બોનસની રકમ મહત્તમ 7000 રૂૂપિયાની મર્યાદામાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી હજારો પરિવારોની દિવાળી વધુ રોશન બનશે.
આ બોનસનો લાભ માત્ર નવા કર્મચારીઓને જ નહીં, પરંતુ જુના નિયમિત કર્મચારીઓને પણ આપવામાં આવશે. સત્તાવાર જાહેરાત મુજબ, સાતમા પગારપંચ, છઠ્ઠા પગારપંચ અને પાંચમા પગારપંચ હેઠળ આવતા તમામ વર્ગ-4ના નિયમિત કર્મચારીઓને આ એડહોક બોનસનો સીધો લાભ મળશે. નાના કર્મચારીઓના આર્થિક ઉત્કર્ષ માટે લેવાયેલો આ નિર્ણય સરકારની હકારાત્મક નીતિ દર્શાવે છે.
આ દિવાળી ભેટનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક સામાન્ય નિયમો પણ ઘડવામાં આવ્યા છે. જે મુજબ, જે વર્ગ-4ના કર્મચારીઓએ તેમની નોકરીના સળંગ 6 મહિના પૂર્ણ કર્યા હોય, તેઓ જ આ બોનસ મેળવવા માટે હકદાર ગણાશે. આ નિયમથી મોટાભાગના નિયમિત અને સ્થાયી કર્મચારીઓને આર્થિક સહાયનો સીધો ફાયદો થશે. તહેવારના સમયે હાથ પર રોકડ રકમ આવવાથી નાના કર્મચારીઓનું આર્થિક ભારણ હળવું થશે.
સરકારનો આ સંવેદનશીલ નિર્ણય માત્ર સચિવાલય કે રાજ્ય સરકારના સીધા વિભાગો પૂરતો જ સીમિત નથી. આ બોનસની જાહેરાતનો વ્યાપ વધારતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર હસ્તકના પંચાયત, વિવિધ સરકારી બોર્ડ અને નિગમોમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને પણ આ 7000 રૂૂપિયા સુધીના એડહોક બોનસનો લાભ સમાન ધોરણે આપવામાં આવશે.
દિવાળી પૂર્વે આવેલી આ ખુશખબરે રાજ્યભરના હજારો પટાવાળા, સફાઈ કામદારો અને અન્ય વર્ગ-4ના કર્મચારીઓના પરિવારોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. મોંઘવારીના આ સમયમાં 7000 રૂૂપિયાની વધારાની આવક નાના પરિવારો માટે તહેવારની સાચી ખુશી બની રહેશે. સરકારી તંત્રની કામગીરીમાં પાયાનો રોલ ભજવતા આ નાના કર્મચારીઓના ઉત્સાહમાં પણ આ ભેટથી વધારો જોવા મળશે.
