રાજકોટના મહિલા વેપારીની ફરિયાદ પરથી કોલિથડના દંપતી સામે ગુનો દાખલ, 2 થી 3 ટકા વળતરની લાલચ આપી ચાર લોકો પાસેથી પૈસા પડાવ્યા
કંપનીના શેર આપવાના બહાને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ ફૂલેકું ફેરવી દંપતી ફરાર,બી ડિવિઝન પોલીસે તપાસ શરૂૂ કરી
રાજકોટ શહેરમાંથી વધુ એક કરોડો રૂૂપિયાની નાણાકીય છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક દંપતીએ ટેક્સટાઈલ કંપનીના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 05/06ના રોજ આ અંગે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચકચારી કેસમાં આરોપી તરીકે દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલીયા અને તેમના પત્ની નિલમબેન દિવ્યેશભાઈ સાવલીયા (રહે. દ્વારકેશ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 103, પહેલો માળ, ક્રિસ્ટલ હોસ્પિટલની બાજુમાં, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ) સામે ફરિયાદ પક્ષે નામજોગ ગુનો નોંધાવ્યો છે.
આરોપીઓ મૂળ ગોંડલ તાલુકાના કોલીથળ ગામના વતની છે અને ગરનાળા ગામે સર્વે નંબર 257/2 ખાતે આવેલી ’કામ્યા ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ નામની પેઢીમાં ડિરેક્ટર તરીકેનું પદ ધરાવે છે. આ દંપતીએ વર્ષ 2023થી શરૂૂ કરીને વર્ષ 2025ના અંત સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવીને આ મોટા આર્થિક કૌભાંડને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર આર્થિક કૌભાંડ મામલે રણછોડ નગર શેરી નંબર 29, પેડક રોડ, રાજકોટ ખાતે આવેલ શ્રી સદગુરુ જ્યોત કોમ્પ્લેક્ષના ફ્લેટ નં. 301માં રહેતા 48 વર્ષીય મહિલા વેપારી જલ્પાબેન જીતેન્દ્રભાઈ બાબુલાલ રૈયાણીએ પોલીસ મથકે રૂૂબરૂૂ આવી ફરિયાદ નોંધાવી છે.
આણંદપર નવાગામ ખાતે રઘુવીર ડેલાની બાજુમાં આવેલી ’રૈયારાજ એન્ડ કંપની’ નામની પ્લાસ્ટિકના દાણાની વેચાણ કરતી પેઢી ધરાવે છે, જે પેઢીનું તમામ સંચાલન તેમના પતિ કરે છે. પોલીસ ફરિયાદ અનુસાર, મુખ્ય આરોપી દિવ્યેશભાઈ ફરિયાદીના પતિના મિત્ર અને પરિચિત હોવાથી તેમણે પોતાની ટેક્સટાઈલ પેઢીમાં નાણાંની જરૂૂરિયાત હોવાનું કહી રોકાણ કરવા માટે જણાવ્યું હતું. આરોપીએ ખાતરી આપી હતી કે જો તેઓ આ પેઢીમાં રોકાણ કરશે તો તેમને દર મહિને 2 થી 3 ટકા જેટલું આકર્ષક વળતર ચૂકવવામાં આવશે. આ વળતરની લાલચમાં આવીને ફરિયાદી જલ્પાબેને પોતાના એચડીએફસી બેંકના ખાતામાંથી આરોપી દિવ્યેશભાઈના પર્સનલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (શાપર વેરાવળ બ્રાંચ)ના ખાતામાં વર્ષ 2023માં અલગ-અલગ તારીખોએ કુલ રૂૂ. 10,00,000 ટ્રાન્સફર કર્યા હતા.
ઘટનાની વિગતોમાં વધુમાં જાણવા મળ્યા મુજબ, વર્ષ 2025ના ફેબ્રુઆરી માસમાં આરોપી દિવ્યેશભાઈએ ફરિયાદીના પતિને વધુ નાણાં કંપનીમાં જમા કરાવવા જણાવ્યું હતું અને બદલામાં કામ્યા ટેક્સટાઈલ્સ કંપનીના શેર આપવાનો વાયદો કર્યો હતો. જેના આધારે ફરિયાદીએ ફરીથી નેટ બેંકિંગ મારફતે આ કંપનીના ખાતામાં અલગ-અલગ તારીખોએ કુલ રૂૂ. 35,00,000 જમા કરાવ્યા હતા, આમ બેંક મારફતે જ કુલ રૂૂ. 45,00,000નું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી ધંધાના વિકાસ અને શેર આપવાના બહાને રોકડા રૂૂ. 1,43,50,000 અને રૂૂ. 4,00,00,000 (ચાર કરોડ) પણ મેળવી લીધા હતા. એટલું જ નહીં, ફરિયાદીના સગા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયા પાસે પણ આ પેઢીમાં રોકાણ કરાવીને વળતર ચૂકવ્યા બાદ બાકી નીકળતા રૂૂ. 1,43,50,000 ઓળવી ગયા હતા. તેમજ ફરિયાદીના પતિના મિત્ર કલ્પેશભાઈ જયસુખભાઈ માલકીયા પાસેથી પણ વધુ નફાની લાલચ આપીને શેર સિવાયની રકમ પેટે બેંક મારફતે રૂૂ. 30,00,000 મેળવી લીધા હતા. આમ, આરોપી દંપતીએ રોકાણકારો પાસેથી કુલ મળીને રૂૂ. 6,18,50,000ની માતબર રકમ પોતાની પેઢીના ખાતામાં અને વ્યક્તિગત રીતે મેળવી લીધી હતી.
રોકાણકારો દ્વારા વારંવાર કંપનીના શેર પોતાના નામે ટ્રાન્સફર કરવા અથવા મૂળ રકમ અને વળતર પરત આપવાની માંગણી કરવા છતાં આરોપી દિવ્યેશભાઈ અને તેમના પત્ની નિલમબેને આજદિન સુધી કોઈ પણ રકમ, નફો કે કંપનીના શેર આપ્યા નથી. તેમજ પેઢીનો કોઈ હિસાબ કે ઓડિટ રિપોર્ટ પણ આપવામાં આવ્યો ન હતો અને તમામ નાણાં ઓળવી જઈ ગ્રાહકો તથા રોકાણકારો સાથે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત આચરવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ચૌહાણ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 54 અને ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ (જી.પી.આઇ.ડી.) એક્ટની કલમ-3 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
