રાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મારવાડી કોલેજમાં અભ્યાસ…

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં અને મોરબીથી અપડાઉન કરતાં એન્જિનિયરીંગના છાત્રને લુ લાગતા કોલેજમાં જ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. લુ લાગવાથી વિદ્યાર્થીનું મોત નિપજતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના શકત સનાળા ગામે રહેતા ધ્રુવરાજ મહેશભાઈ ગોહેલ નામનો 18 વર્ષનો યુવાન ગઈકાલે રાજકોટમાં આવેલી મારવાડી કોલેજ ખાતે હતો ત્યારે ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો.યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાને ઝેરી પદાર્થ પીધાની શંકા વ્યકત કરી હતી. બેભાન હાલતમાં ઢળી પડેલા યુવાને સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીન સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન માતા પિતાનો આધાર સ્થંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. મૃતક યુવાન રાજકોટમાં આવેલી મારવાડી કોલેજમાં એન્જીનીયરીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને ડેઈલી મોરબીથી અપડાઉન કરતો હતો. ધ્રુવ રાજ ગોહેલને તડકો લાગી જતાં ચક્કર આવવાથી બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજ્યું હોવાનું મૃતક યુવકના દાદાએ જણાવ્યું હતું. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *