પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યો, બાળા મારી દીકરી જેવી લાગતા ફરવા લઇ જતો હોવાનું આરોપીનું રટણ
શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી લઇ બાળકીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવારે સવારે તેની પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે રૈયાધાર વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર કડિયાકામની મજૂરીએ ગયા હતા. બપોરે દંપતી અને તેની પુત્રીએ સાથે ભોજન લીધું હતું.
ત્યારબાદ દંપતી કડિયાકામ કરવા લાગ્યું હતું અને તેની પુત્રી ઓરડી નજીક રમતી હતી, થોડીવાર બાદ બાળકી નજરે નહી ચડતાં દંપતી અને સાઇટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂૂ કરી હતી. તે વખતે જ કોન્ટ્રાક્ટરનો ભત્રીજો ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, આપણી સાઇટ પર અગાઉ કામ કરતો નાગેશ્વર પાછળના પચ્ચીસ વારિયામાં રહેતો ભરત મગન મકવાણા એક બાળકીને લઇને જતો દેખાયો હતો.આ અંગેની જાણ થતાં જ દંપતીએ પોલીસને ફોન કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, પીઆઇ એચ.એન.પટેલે સંપૂર્ણ વિગતો મેળવી આરોપીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન મેળવતા આરોપી કોઠારિયા નજીકના રસૂલપરા વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ભરતને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી.
બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે રમતી હતી ત્યારે ભરત ત્યાં આવ્યો હતો અને વેફર અપાવવાનું કહી લઇ ગયો હતો, ભરતે તેવી કેફિયત આપી હતી કે, તેને બે સંતાન છે અને તેની પત્ની સંતાનો સાથે લાંબા સમયથી રિસામણે પિયર બેઠી છે.
આ બાળકી તેની પુત્રી જેવી લાગતાં તેના પર પ્રેમ ઊભરાયો હતો અને વેફર આપી શાપર ફરવા લઇ જતો હતો, જોકે આરોપીની કથની પોલીસને ગળે ઉતરી નહોતી, પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી બાળકી સાથે કંઇક અજુગતું થતા અટક્યું હતું. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂૂ કરી હતી.
