નામચીન પેંડા ગેંગના સાગરીતની આણી ટોળકીએ પથ્થર મારો કરી કારમાં તોડફોડ કરી છરીના ઘા ઝીંક્યા, હત્યા કેસના આરોપી સહિત 9 શખ્સો સામે ગુનો નોંધાયો
રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે પોલીસ કર્મચારીની હત્યાના બનાવના સાક્ષીના ભાઈ ઉપર હત્યાના આરોપી સહિતના 9 શખ્સોએ હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. તેમજ સાક્ષીના બે મિત્રોને પણ છરીના ઘા ઝીંકી દેવાતા આ મામલે ભક્તીનગર પોલીસ મથકમાં 9 શખ્સો સામે ગુનો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા ગામ ગોકુલપાર્ક શેરી નં. 3માં માતૃશ્રી વિદ્યામંદિર સ્કૂલ વાળીશેરીમાં દેવાંગી કૃપા નામના મકાનમાં રહેતા રમેશ દેવરાજ ગજેરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીષ મીસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
રાજકોટમાં વર્ષ 2016માં પોલીસ કોન્સ્ટેબલ ભરતદાન ગઢવીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં નામચીન શક્તિ ઉર્ફે પેંડો તથા જેની હત્યા થઈ તે ઋષિરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ હત્યા કેસમાં રમેશ દેવરાજભાઈ ગજેરાના ભાઈ જીજ્ઞેશ કે જેણે હત્યા નજરે જોઈ હોય અને તે તાજનો સાક્ષી હોય કોર્ટમાં જિજ્ઞેશે જુબાની આપી હોય આ હત્યા કેસનો આરોપી શક્તિ ઉર્ફે પેંડા ગેંગનો રાજા જાડેજાએ જે બાબતનો ખાર રાખી તેના સાગરીતો સાથે મળીને ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સુમારે રમેશ ઉપર પ્રાણ ઘાતક હથ્યારો ધારણ કરીને આ ટોળકીએ હુમલો કર્યો હતો. આ બનાવ વખતે રમેશનો મિત્ર દિવ્યેશ ઠુંમર અને દેવ ટાંક પણ સાથે હોય તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજા જાડેજાએ રમેશને છરીનો ઘા ઝીંક્યો હતો તેમજ ચીરાગ બકાલીએ દિવ્યેશને છરી ઝીંકી દીધી હતી. વચ્ચે પડેલા દેવ ટાંકને પણ રાજા જાડેજાએ છરી મારી દેતા ત્રણેય મિત્રોને ઈજા પહોંચી હતી. તેમજ આ ટોળકીએ સોડા-બોટલ અને પથ્થરો વડે ઘા કરીને ગાડીના કાંચ તોડી નાખી તોડફોડ પણ કરી હતી. સમગ્ર બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડીગયો હતો. અને આ મામલે રમેેશ ગજેરાની ફરિયાદના આધારે નામચીન શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, નામચીન શક્તિ ઉર્ફે પેંડાનું એનકાઉન્ટર થયું હોય જ્યારે આ હત્યા કેસના ઋષિરાજસિીંહ જાડેજાની પણ હત્યા થઈ હતી.