જિલ્લા પંચાયતની એક, તાલુકા પંચાયતની બે બેઠક ગુમાવી
ચૂંટણી આયોગના પરિપત્ર મુજબ, ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રહેઠાણ પર શૌચાલય હોવું અનિવાર્ય છે. જો શૌચાલય ન હોય, તો ઉમેદવાર અયોગ્ય ગણાય છે, જે બાબતનો અન્ય પક્ષના ઉમેદવારો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે વડોદરા જિલ્લા પંચાયત તથા શિનોર અને કરજણ તાલુકા પંચાયતમાં શૌચાલય મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે તૂતૂ-મેમે અને બબાલ શરૂૂ થઈ હતી. જે બાદ આખરે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન ઠાકોરના ઘરે શૌચાલય ન હોવાને કારણે તેમનું ફોર્મ રદ કરાયું છે. શિનોર બેઠક પર પણ શૌચાલય મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીની એક બેઠક પર કોંગ્રેસ તરફથી રમેશ બચુ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે ઘરે શૌચાલય હોવાના કાગળો ફોર્મ સાથે રજૂ કર્યા હતા. મામલે ચૂંટણી અધિકારી TDO મહેશ વિરાણીએ તપાસ કર્યા બાદ રમેશ બચુ વસાવાના ઘરે ખરેખર શૌચાલય ન મળી આવતા તેમને કોંગ્રેસ તરફથી નોંધાયેલું ઉમેદવારી ફોર્મ નામંજુર થયું છે.
આવી જ રીતે વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ કરજણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ શૌચાલયનો મુદ્દો ભારે ગરમાયો હોવાનું સામે આવ્યું છે. કરજણ તા.પં.ની સામળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા સામે પણ શૌચાલય મુદ્દે ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજેએ વાંધો ઉઠાવતાં તેમનું ફોર્મ રદ થયું છે.
