જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં 15 વ્યક્તિના નિવેદનો નોંધ્યા છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ 80 લાખ થવા જાય છે. જે જમીન પચાવી પાડનારા 6 આરોપીઓ જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉંમરભાઈ ખફી, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જે પ્રકરણની તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા અને તેઓની ટીમે ત્રણ આરોપીઓ જગદીશ ગણેશભાઈ ચોવટીયા, રાજેશ કાંતિલાલ મારુ, અને યજ્ઞેશ રતિલાલ રાણપરીયા ની અટકાયત કરી લીધી હતી, જેઓના નિવેદન નોંધ્યા બાદ ત્રણેયને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં મોકલી દેવા હુકમ થયો છે. આ મામલામાં પોલીસ દ્વારા હજુ ત્રણ આરોપીઓની શોધખોળ ચલાવાઇ રહી છે. ઉપરાંત અન્ય 15 જેટલા વ્યક્તિના નિવેદનો નોંધ્યા છે.
