કતારગામમાં રહેતી ઈન્સ્પેકટરને PG હોસ્ટેલ શરૂ કરવાની અને કલાસ-1 ઓફિસર બનાવવાની લાલચ આપી
જીએસટી (GST) ચોરી અને કરવેરાના કાયદાઓનું સખત પાલન કરાવતા કતારગામના એક મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર ખુદ એક શાતિર ઠગના ઝાંસામાં આવી ગયા છે અને તેમણે પોતાની જિંદગીની મોટી મૂડી સમાન લાખો રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
પોલીસ એફઆઈઆરમાં દર્શાવેલી વિગતો મુજબ, આરોપીએ ખૂબ જ સાયકોલોજિકલ પ્લાનિંગ સાથે મહિલા અધિકારીનો સંપર્ક કર્યો હતો. શરૂૂઆતમાં આરોપીએ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે પેઇંગ ગેસ્ટ હોસ્ટેલ શરૂૂ કરવાના આયોજનની વાત કરી હતી. આ બિઝનેસમાં જો મહિલા ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કરે, તો તેમને દર મહિને વ્યાજ અને નફાનો મોટો હિસ્સો મળશે તેવી આકર્ષક સ્કીમ બતાવી હતી. આ લાલચમાં આવીને મહિલા અધિકારીએ આરોપી પર ભરોસો મૂકી દીધો હતો.
એકવાર વિશ્વાસ કેળવાઈ ગયા બાદ આરોપીએ મહિલા અધિકારીની સરકારી કરિયરની મહત્વકાંક્ષાનો ફાયદો ઉઠાવવાનું શરૂૂ કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેની ઉચ્ચ સ્તરે મોટી વગ છે અને તે જીપીએસસી (GPSC) ની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ સેટિંગ દ્વારા પાસ કરાવીને તેનાથી પણ મોટો સરકારી હોદ્દો અપાવી શકે છે. બિઝનેસ અને જીપીએસસી સેટિંગના નામે આરોપીએ કટકે-કટકે કરીને મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર પાસેથી કુલ રૂૂપિયા 37,00,000 (સડત્રીસ લાખ) ની માતબર રકમ પડાવી લીધી હતી.
લાંબો સમય વીતી જવા છતાં ન તો પીજી હોસ્ટેલનો કોઈ નફો મળ્યો કે ન તો જીપીએસસી પરીક્ષા અંગે કોઈ પ્રક્રિયા થઈ. મહિલા અધિકારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે નાણાં પરત માંગવા દબાણ કર્યું હતું. આથી આરોપીએ ગભરાઈને કુલ રકમમાંથી રૂૂપિયા 10,20,000 (દસ લાખ વીસ હજાર) પરત ચૂકવી દીધા હતા. જો કે, બાકી નીકળતા રૂૂપિયા 26,80,000 (છવ્વીસ લાખ એંસી હજાર) આપવાનો સાફ ઇનકાર કરી ફોન બંધ કરી દીધો હતો. કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની અને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની કાનૂની તજવીજ હાથ ધરી છે.
