સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રૂટ રદ કરાતા દેકારો, મુસાફર હિતરક્ષક સમિતિનો વિરોધ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે આજે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવતા હોય ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજકોટ ડીવીઝનની 280 સહિત કુલ જુદા જુદા ડિવિઝનો માંથી 1300 એસ.ટી ની બસો કચ્છમાં ફાળવી દીધેલ હોવાથી તા – 25 અને 26 સૌરાષ્ટ્રમાં 2500 જેટલા રુટ રદ કરવામાં આવ્યા છે. જે પગલે લાખો મુસાફરોને હાલાકી બેઠવી પડી છે. રાજ્યમાં રોજિંદી 8550 થી વધુ બસો ઓન ધ રોડ ચાલી રહી છે. અને તેમાં નિયમિત 28 લાખથી વધુ યાત્રીકો મુસાફરી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના વડાપ્રધાનના અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં મેદની એકત્ર કરવા એસ.ટી બસનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. તે વખોડવાપાત્ર છે.
રાજ્ય સરકાર છેલ્લા પાંચ વર્ષમાં 50 હજાર થી વધુ એસ.ટીની બસો ફાળવી દેતા યાત્રિકોની સુવિધા ઝુટવી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં 500 કરોડ રૂૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. એક બાજુ સરકાર કરકસરયુક્ત વહીવટ કરવાની ગુલબાંગો ફેકે છે ત્યારે 200 થી 300 કિ.મી. દૂરથી એસ.ટી.ની બસો ખાલી ખાલી કચ્છમાં મંગાવે ત્યારે ડીઝલનો ધુમાડો થાય છે પરત આવે ત્યારે પણ ખાલી હોય ત્યારે ધુમાડો થાય છે અને અમુક ગામડાઓમાંથી બસોમાં હું તું ને રતન્યો હોય પૂરતા કાર્યકરો બસમાં ન હોય તેમ છતાં બસો દોડાવવામાં આવે છે. ત્યારે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ રાજ્ય સરકારના આ પ્રકારના એસ.ટી બસો કબજે લેવા અંગે યાત્રિકોને પડતી હાલાકીને પગલે વખોડે છે. અને સરકારને મેદની ભેગી કરવા નો અભરખો જાગ્યો હોય તો એસ.ટી બસોને બદલે સ્થાનિક જિલ્લાઓમાંથી ખાનગી પેસેન્જર વાહનો, ખાનગી લક્ઝરી બસો ચૂંટણીઓમાં જે રીતે ડીટેઇન કરી ભાડું ચૂકવવામાં આવે છે તે પ્રકારે એસ.ટી ને બદલે પેસેન્જર વાહનો કબજે લેવા અમારી માંગ છે.
