રાજસ્થાનમાં 13 વર્ષની સગીરા સાથે હેવાનિયત, હોટેલમાં ગોંધી રાખી અનેક લોકો દ્વારા દૂષ્કર્મ

રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી…

રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી માનવતાને શરમમાં મૂકી દે તેવી એક અત્યંત ગંભીર અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીર શાળાએ જતી વિદ્યાર્થિનીને હવસના ભૂખ્યા દરિંદાઓએ નિશાન બનાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરાને રિક્ષાચાલક દ્વારા એક હોટલ માલિકને વેચી દેવામાં આવી હતી, ત્યારબાદ તેને અલગ-અલગ હોટલોમાં ફેરવીને ચારથી પાંચ દિવસ સુધી અનેક લોકો દ્વારા તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

સગીરાના ગુમ થયા બાદ પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સગીરા ઘરેથી નીકળ્યા બાદ એક રિક્ષાચાલક પાસે મદદ માંગી હતી, પરંતુ રિક્ષાચાલકે તેને ઘરે મૂકવાને બદલે હોટલ માલિકના હવાલે કરી દીધી હતી. સગીરાને ભયંકર પીડા અને ત્રાસ વચ્ચે રાખવામાં આવી હતી. પોલીસની ટીમે બાતમીના આધારે હોટલમાંથી સગીરાને સુરક્ષિત બહાર કાઢી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.
આ મામલે સગીરાના નિવેદનના આધારે પોલીસે અત્યાર સુધીમાં 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોટલના માલિકો, મેનેજરો અને અન્ય સંડોવાયેલા ઈસમોનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે દુષ્કર્મમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે અને આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક હોટલને પણ સીલ કરી દેવામાં આવી છે.આ ઘટના સામે આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો અને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તમામ આરોપીઓને કડક સજા કરવાની માગણી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે શ્રીગંગાનગરમાં જે રીતે અસુરક્ષિત હોટલોનો વેપાર ચાલી રહ્યો છે.

તે આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર છે. વહીવટીતંત્ર અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ પોલીસ સઘન તપાસ કરી રહી છે અને પીડિત સગીરાની સુરક્ષા તથા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *