દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરીને દુર્લભ અને સંરક્ષિત ગણાતા 12 ’સૂર્ય કાચબા’ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG ની ટીમે ભાણવડમાં આવેલા વિજય રેફ્રિજરેશનના સંચાલક અર્જુન ભગાણીના કબજામાંથી આ કાચબા જપ્ત કર્યા છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આ કાચબા અત્યંત સંરક્ષિત પ્રજાતિમાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એક કાચબાની કિંમત અંદાજે 5 થી 7 લાખ રૂૂપિયા હોવાનું મનાય છે. આમ, જપ્ત કરાયેલા કુલ કાચબાની કિંમત અંદાજે 60 લાખથી વધુ થવા જાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાચબાનો ઉપયોગ મોટાભાગે તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધા ફેલાવવા માટે કરવામાં આવતો હતો. આટલી મોટી સંખ્યામાં સંરક્ષિત વન્યજીવોનું વેચાણ અને હેરફેર થતી હોવા છતાં સ્થાનિક વન વિભાગને તેની જાણ ન હોવાથી વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. SOG એ આરોપી અર્જુન ભગાણીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા તસ્કરો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
