બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા અવારનવાર તેમની ફિલ્મો અને ડાન્સ શોના કારણે ચર્ચામાં રહે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ એક જૂના અને જટિલ કાયદાકીય વિવાદ અને અંડરવર્લ્ડની ધમકીઓના પડછાયામાં હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની રેમો ડિસોઝા અને તેમના પરિવારને ધમકાવવાના આરોપમાં ઔપચારિક રીતે ધરપકડ કરી છે. આ ધરપકડથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રેમોના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલો વર્ષ 2018નો છે, જ્યારે રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા અને તેમના મેનેજરને ગેંગસ્ટર રવિ પૂજારી તરફથી સતત ધમકીઓ મળી રહી હતી.પોલીસ લાંબા સમયથી આ મામલે તપાસ કરી રહી હતી. જોકે રવિ પૂજારી અન્ય ગુનાઓ માટે પહેલેથી જ જેલમાં બંધ હતો, પરંતુ રેમો ડિસોઝા સાથે જોડાયેલા આ ખાસ કેસમાં તેની ધરપકડ હવે થઈ છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રવિ પૂજારીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે મામલાની ગંભીરતાને જોતા તેને 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.રેમો ડિસોઝા અને સત્યેન્દ્ર ત્યાગીનો વિવાદ હવે એક નવો વળાંક લઈ ચૂક્યો છે. રવિ પૂજારીની ધરપકડ બાદ હવે મુંબઈ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ આખી કાવતરામાં સત્યેન્દ્ર ત્યાગીની ભૂમિકા કેટલી ઊંડી હતી અને શું આ ખંડણી પાછળ કોઈ અન્ય મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.
