ગત વર્ષ કરતાં 529 બનાવ વધુ બન્યા, દાઝી જવાના 58 જેટલા બનાવ: રાજ્યભરની સિવિલમાં સાયરન વાગતા રહ્યા, દર્દીઓથી ઉભરાઇ
રાજ્યમાં આગ લાગવાની સાથે અકસ્માત અને દાઝી જવાના બનાવો બન્યા હતા. દિવાળીના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. આખા દિવસ દરમિયાન દાઝી જવાના ફુલ 58 કોલ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જેમાં અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5 અને નવસારીમાં 4 કોલ મળ્યા હતા. બાકીના શહેરોમાં 1થી 2 કોલ મળ્યા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિવાળીના દિવસે 108 એમ્બ્યુલન્સ અને 5,389 જેટલા કોલ ઈમરજન્સીના મળ્યા હતા. સામાન્ય દિવસોમાં 5199 જેટલા કોલ મળતા હોય છે. જો કે, દિવાળીના દિવસે 565 જેટલા વધુ કોલ મળ્યા હતા. રોડ અકસ્માતના પણ બનાવો ખૂબ વધારે સામે આવ્યા છે. સામાન્ય દિવસોમાં 529 જેટલા અકસ્માતના કોલ ફાયર બ્રિગેડને મળતા હોય છે. જો કે, દિવાળીના દિવસે 916 જેટલા કોલ મળ્યા હતા.
રાજ્યમાં દિવાળીના દિવસે અકસ્માત, મારામારી અને શ્વાસ લેવામાં તકલીફના બનાવો પણ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધારે અકસ્માતના બનાવો અમદાવાદ, દાહોદ, બોટાદ, રાજકોટ, પંચમહાલ, કચ્છ, ભાવનગર, ખેડા, ભરૂૂચ, આણંદ, વલસાડ, છોટાઉદેપુર, બનાસકાંઠા અને જુનાગઢ સહિતના શહેરોમાં બન્યા છે. સૌથી વધારે ટુ-વ્હીલરમાં અકસ્માતના બનાવો બન્યા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા. સૌથી વધારે કચરા અને મકાનમાં આગ લાગવાના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા હતા. શહેરના પીરાણા પીપળજ રોડ ઉપર ભરવાડવાસ પાસે આવેલી મહાલક્ષ્મી ટેક્સટાઇલ નામની દોરા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યાં ફાયર બ્રિગેડની પાંચથી છ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફેક્ટરીમાં એક વ્યક્તિ ફસાયો હોવા અંગેની પણ માહિતી હતી. જેથી ફાયર બ્રિગેડ સૌથી પહેલા તેને બચાવવાના પ્રયાસ ચાલુ કર્યા હતા.
380 શ્વાસ લેવામાં તકલીફના કોલ ફાયર બ્રિગેડને મળ્યા
મારામારીના બનાવોમાં પણ વધારો થયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પંચમહાલ, ભરૂૂચ, દાહોદ, કચ્છ, ગાંધીનગર, જામનગર, મોરબી, મહેસાણા, નર્મદા, જુનાગઢ સહિતના શહેરોમાં વધારે બનાવો બન્યા છે. દાહોદ નાનું શહેર અને જિલ્લો હોવા છતાં પણ સૌથી વધારે ત્યાં મારામારીના બનાવો વધુ બનતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ફટાકડાના કારણે હવા ખૂબ જ ખરાબ થઈ હતી. જેના કારણે થઈને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. આખા રાજ્યમાંથી કુલ 380 જેટલા શ્વાસ લેવામાં તકલીફના કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા.
દિવાળીના સાંજે 5થી સવારે 6 સુધીના કોલ(ફાયરબ્રિગેડ)
કચરો 38
દુકાન 3
મીટર 1
ઝાડ 6
ફટાકડાની લારી 1
મકાન 22
ઝૂંપડું 1
વાહન પાર્કિંગ શેડ 1
ફેક્ટરી 4
ખેતર 1
પોસ્ટ ઓફિસ 2
કુલ 80
