રાતના 12 વાગે લાઉડસ્પીકર બંધ કરવા આદેશ, મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં વોચ રાખશે
આગામી તા 22 સપ્ટેમ્બર સોમવારથી ગુજરાતના પરમ્પગત ઉત્સવ નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાજકોટમાં ગત વર્ષ કરતા આ વર્ષે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજનની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. રાજકોટમાં 32 અર્વાચીન રાસોત્સવ ઉપરાંત 73 પ્રાચીન ગરબી, 573 શેરી ગરબી મળી કુલ 678 જેટલા આયોજન થનાર હોય જે અન્વયે ખાસ કરીને ભારે ભીડ જમા થાય છે અને વધુ ઉંચા વોલ્યુમ સાથે સાઉન્ડ સીસ્ટમ લગાવાય છે તેવા આયોજનો માટે નિયમો અને માર્ગદર્શિકા પોલીસ દ્વારા જાહેર કરાયા હતા.હાઈકોર્ટે નવરાત્રિ પૂર્વે ડી.જે.ના ધ્વનિ પ્રદુષણ મુદ્દે પોલીસ પગલાના મુદ્દે ટકોર કરી છે ત્યારે લોકોની અને મહિલાઓની સલામતિ માટે રાજકોટની 1000 પોલીસ તૈનાત રાખવામાં આવશે.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે તમામ રાસોત્સવના આયોજન માટે 1000થી વધુ પોલીસ, હોમગાર્ડ અને એસઆરપીનો બંદોબસ્ત તૈનાત રખાશે. આ ઉપરાંત મોટર સાઈકલ ઉપર પણ રાસોત્સવ ચાલે ત્યાં સુધી પેટ્રોલિંગ કરવામાં આવશે.
ખાસ કરીને તમામ આયોજન રાત્રે 12 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાના રહેશે. આ મામલે પોલીસ દ્વારા કોઈ ઢીલાશ રાખવામાં આવશે તેમજ નિયત ડેસીબલ કરતા વધુ અવાજ સર્જતા આયોજકો સામે પગલા લેવાશે અને જેના માટે પોલીસ ડેસીબલ માપતા યંત્રોથી સજ્જ છે. રાત્રિના 12 વાગ્યે તમામ ગરબી,દાંડિયારાસના આયોજનો બંધ કરવાનો નિયમ પહેલેથી જ અમલી છે તેમજ અર્વાચીન દાંડિયારાસમાં ફાયર એન.ઓ.સી વિના મંજુરી મળશે નહી. જ્યારે રાસોત્સવના આયોજકો માટે પણ પોલીસે નિયમો અમલી બનાવ્યા છે જેમાં ખાસ કરીને અર્વાચીન રાસોત્સવ કે જ્યાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ એકઠા થાય છે.
ત્યાં કોઈ પ્રકારની અફડાતફડી ન સર્જાય તે માટે અલગ-અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેઈટ રાખવા ઉપરાંત દરેક દિવસના સીસીટીવી ફૂટેજ સાચવવા, પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવા, માઈક-લાઉડ સ્પીકરનો અવાજ નિર્ધારિત કરાયેલા નિયમ પ્રમાણે જ રાખવા સહિતનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નવરાત્રિ દરમિયાનવિશેષ બંદોબસ્ત રખાશે ઉપરાંત માર્ગો પર ચૂસ્ત પેટ્રોલીંગ પણ ગોઠવાશે. ખાસ કરીને કોઈ મહિલાની છેડતી કરતા કે માર્ગો પર છાકટાવેડાં કરતા તત્વો સામે વધુ કડકાઈથી કાર્યવાહી કરાશે.ઉપરાંત મહિલા ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાસોત્સવમાં શૌ-ટીમ પણ ટ્રેડીશન ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં નઝર રાખશે.
